જામનગર શહેરમાં તસ્કરોની રંજાડ યથાવત્: વધુ બે દુકાનોને નિશાન બનાવી લઈ રૂ! 1.46 લાખની ચોરીની ફરિયાદ થી ચકચાર

- એક ફૂડઝોનમાંથી એક લાખ વીસ હજારની રોકડ તેમજ એક ફરસાણ ની દુકાનમાંથી રોકડ-મોબાઈલ સહિતની સામગ્રી નો હાથફેરો
જામનગર તા.૧પ, જામનગર શહેરમાં તસ્કરોની રંજાડ યથાવત રહી છે. ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં પખવાડીયા દરમ્યાન બે દુકાનોમાં ચોરીનો પ્રયાસ જ્યારે એક દુકાનમાંથી ચોરી થયા પછી ગઇકાલે વધુ બે દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી લઈ રૂપિયા ૧ લાખ ૪૬ હજારની મતાની ચોરી કરી લઇ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે.
જામનગર શહેરમાં તસ્કરોની રંજાડ વધી ગઈછે, અને તસ્કરોએ પોલીસ તંત્રને ખુલ્લો પડકાર ફેંક્યો છે. પખવાડિયા દરમિયાન ગ્રેઇન માર્કેટ વિસ્તારના બે દુકાનોમાં ચોરીનો પ્રયાસ કર્યા પછી પરમદિને એક દુકાનમાંથી ૩૪ હજારની રોકડ રકમની ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાયા પછી ગઇકાલે વધુ બે દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી લઈ બંન્ને દુકાનોમાંથી રૂપિયા એક લાખ ૪૬ હજારની મત્તાની ઉઠાંતરી કરી ગયાનું પોલીસમાં જાહેર થતાં ભારે ચકચાર જાગી છે.
જામનગરમાં વિકાસ ગૃહ રોડ પર જગજીવન કોમ્પ્લેક્સમાં જે કે ફૂડઝોન નામની દુકાનમાં તસ્કરોએ ખાતર પાડયું હતું, અને દુકાનનું શટર અને તાળું તોડી નાખી અંદર પ્રવેશ મેળવી લીધો હતો. જે દુકાનમાંથી સીસીટીવીનું ડી.વી.આર. તેમજ લોખંડના ટેબલના ખાનામાં રાખેલી જુદા જુદા ભારતીય દરની ૧,૨૦,૦૦૦ ની રોકડ રકમ ચોરી કરી લઇ ગયા હતા.
આ ઉપરાંત તસ્કરોએ બાજુમાં જ આવેલી કેવલ વિનોદભાઈ કંસારા ની ન્યુ પટેલ સ્વીટ એન્ડ ફરસાણ માર્ટ નામની દુકાન ને પણ નિશાન બનાવી લીધી હતી, અને અંદરથી સીસીટીવી કેમેરાનું ડી.વી.આર. ઉપરાંત એક મોબાઇલ ફોન અને નવ હજારની રોકડ રકમ સહિત બંન્ને દુકાનોમાંથી કુલ ૧ લાખ ૪૬ હજારની માલમતાની ચોરી કરી લઇ ગયા હતા. જે ચોરીના બનાવ અંગે જે. કે. ફૂડ ઝોન ના સંચાલક મીનબહાદુર હિમબહાદુર નેપાળી એ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં સીટી બી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, અને આસપાસના વિસ્તારમાં આવેલા અન્ય સીસીટીવી કેમેરાની મદદથી તસ્કરોને શોધવા માટેની કવાયત હાથ ધરી છે.




