અમરેલી: જાફરાબાદના દરિયાકાંઠે ફિશિંગ બોટમાંથી 22 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 4ની ધરપકડ, 11 ફરાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Amreli News: અમરેલી જિલ્લાના જાફરાબાદના સામાકાંઠા વિસ્તારમાં દરિયાઈ માર્ગે લવાયેલા વિદેશી દારૂના મસમોટા જથ્થા પર સ્ટેટ મોનિટરિંગ સેલે(SMC)એ દરોડો પાડી 4 આરોપીઓને દબોચી લીધા છે. સમગ્ર મામલે પોલીસે 22 લાખથી વધુની કિંમતનો દારૂ જપ્ત કરી ફરાર 11 શખસોને ઝડપી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.
માછીમારીની બોટમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ચોક્કસ બાતમીના આધારે SMCની ટીમે જાફરાબાદના સામાકાંઠા વિસ્તારમાં ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, દમણથી દરિયાઈ માર્ગે એક માછીમારીની ફિશિંગ બોટમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવીને લાવવામાં આવ્યો હતો. આ દારૂનો જથ્થો દરિયાકાંઠે ઉતારીને અન્યત્ર રવાના કરવામાં આવે તે પહેલા જ SMC ત્રાટકી હતી. જેમાં પોલીસે બોટમાંથી રૂ.22.75 લાખના કિંમતની કુલ 6859 વિદેશી દારૂની બોટલો ઝડપી પાડી હતી.
33 લાખનો મુદ્દામાલ જપ્ત
દારૂના જથ્થા ઉપરાંત પોલીસે ઘટનાસ્થળેથી બોટ, વાહનો અને અન્ય ચીજવસ્તુઓ મળી કુલ રૂ.33.89 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા 4 આરોપીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે, જ્યારે ફરાર 11 શખસોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
આ દરોડાએ ફરી એકવાર સ્થાનિક પોલીસની કામગીરી પર મોટા સવાલો ઉભા કર્યા છે. અમરેલી જિલ્લામાં છેલ્લા એક જ મહિનામાં SMC દ્વારા આ પાંચમો મોટો દરોડો પાડવામાં આવ્યો છે. જાફરાબાદ પોલીસની નાક નીચેથી આટલો મોટો દારૂનો જથ્થો પસાર થઈ ગયો હોવાની વાત પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.








