Gujarat

સુરત મ્યુનિ. કચરાના વહન માટે રૃા.80 લાખના પાંચ ઇલેક્ટ્રીક વ્હીકલ ખરીદશે

By GS Team
22 Mar 20222 mins read
This article was originally published on 22 Mar 2022
સુરત મ્યુનિ. કચરાના વહન માટે રૃા.80 લાખના પાંચ ઇલેક્ટ્રીક વ્હીકલ ખરીદશે


ઇલેકટ્રીક વ્હીકલને પ્રોત્સાહન આપવાના પ્રયાસરૃપે પહેલા તબક્કામાં પાચ વાહનો બાદ વધુ વાહનો ખરીદવા આયોજન

  સુરત,

લોકો ઈલેક્ટ્રીક વ્હીકલ ખરીદે તો મહાનગરપાલિકા પ્રોત્સાહન આપે છે તેની સાથે સાથે પાલિકા પણ હવે કચરા વહન માટે ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવા જઈ રહી છે.  રૃા.80 લાખના ખર્ચે પાંચ વાહન ખરીદાશે ત્યારબાદ તબક્કાવાર વધુ વાહનો ખરીદવા આયોજન થયું છે.

હાલમાં ભારત સરકાર દ્વારા ઈલેકટ્રીક મોબીલીટી પ્લાન અંતર્ગત  એનર્જી સિક્યોર ભવિષ્ય તથા સ્વચ્છ પર્યાવરણ સ્થાપિત કરવા માટે પરંપરાગત ટ્રાન્સપોર્ટની જગ્યાએ હાઈબ્રિડ અને ઇલેક્ટ્રિક વાહનો વધારવા આયોજન કરી રહી છે. જેના ભાગરૃપે  ગુજરાત રાજ્યએ ઇલેક્ટ્રિક વ્હીકલ પોલીસી 2021 જાહેર કરી છે તેની સાથે સુરત મ્યુનિ.એ પણ આ પોલીસી જાહેર કરી છે.  પોલીસી અંતર્ગત સુરત મ્યુનિ. ભારતભરમાં પ્રથમ ઇલેક્ટ્રિક વ્હીકલ સ્માર્ટ સીટી બનવા માટેનો લક્ષ્ય રાખી રહી છે. જેના ભાગરૃપે શહેરમાં કચરાના વહન કરવા માટેના વાહનોને ઓછા કરીને ઈ-વ્હીકલ નો સમાવેશ કરવાનો નિર્ણય કર્યો છે.

ડીઝલ કે સીએનજી વાહનો સાથે હવે કચરા વહન માટે પહેલા તબક્કામાં પાંચ ટાટા કંપનીના ઈલેક્ટ્રીક ટેમ્પો ખરીદવાનો નિર્ણય કર્યો છે. ટેન્ડર બહાર પાડીને ઓફર મંગાવી હતી તેમાં પાલિકાને જે વાહનની જરૃર છે તેમાં એક વાહનની કિંમત 16 લાખની આવી છે.જેથી રૃા.૮૦.૦૪ લાખના ખર્ચે આ વાહનો ખરીદવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત મુકાઇ છે. પહેલા તબક્કામાં પાંચ વાહનો ખરીદશે તેના માટે સરકારની સહાય પણ મળશે ત્યારબાદ તબક્કાવાર વધુ વાહનોની ખરીદી પણ કરશે.