Gujarat

એસપી રીંગ પર રામોલ પાસેથી એક કરોડનો વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ

By GS TEAM
12 Apr 20262 mins read
એસપી રીંગ પર રામોલ પાસેથી એક કરોડનો વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ

અમદાવાદ,રવિવાર

શહેરના એસપી રીંગ રોડ પર આવેલા રામોલ ટોલનાકા પરથી સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફે પેન્સીલના પાવડરની આડમાં લઇ  જવામાં આવી રહેલા રૂપિયા ૧ કરોડની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે. પોલીસ ટ્રક ડ્રાઇવરની પુછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો કે ટ્રાન્સપોર્ટ કંપનીના માલિક દ્વારા પટીયાલાથી દારૂનો જથ્થો ભરાવીને ખેડા સુધી લઇ જવાની સુચના આપવામાં આવી હતી. સાથેસાથે આ પહેલા પણ તે એક  કરોડ ઉપરાંતનો વિદેશી દારૂ લાવી ચુક્યો હતો. આ  અંગે એસએમસીએ વધુ તપાસ શરૂ કરી છે.

પંજાબના પટીયાલાથી એક બંધ બોડીના ટ્રકમાં વિદેશી દારૂનો મોટો જથ્થો રીંગ રોડ પરથી અસલાલી તરફ લઇ જવામાં આવી રહ્યાની બાતમી સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારી આર જી ખાંટને મળી હતી. જેના આધારે શનિવારે રાતના સમયે રામોલ ટોલનાકા પર વોચ ગોઠવીને દારૂ ભરેલી ટ્રકને ઝડપી લીધી હતી. તપાસ કરતા તેમાંથી રૂપિયા ૧.૦૬ કરોડની કિંમતની ૨૦ હજાર જેટલી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.  ટ્રક ડ્રાઇવર ચુનારામ જાટની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ટ્રકના માલિક દેદરામ જાટે તેને નોકરી પર રાખ્યો હતો અને ગુજરાતમાં દારૂ સપ્લાય કરવાની એક ટ્રીપ બદલ ૩૦ હજાર આપવાની ખાતરી આપી હતી. જેથી ટ્રક લઇને પટીયાલા ગયો હતો. જ્યાં દારૂ લોડ થતા તે રીંગ રોડ થઇને ખેડા જતો હતો. ત્યારે પોલીસે ઝડપી લીધો હતો.  તેણે પોલીસને એવી પણ વિગતો આપી હતી કે આ ટ્રીપ પહેલા તે એક કરોડની કિંમતનો વિદેશી દારૂ લઇને ખેડા આવ્યો હતો. જ્યાં એક હોટલ પર આવતા બાઇક પર આવેલા બે યુવકો ટ્રક લઇ ગયા હતા અને ખાલી કરીને ટ્રક પરત આપી હતી. આમ, દારૂ પહોંચતુ  કરવાનું મોટું નેટવર્ક સક્રિય હોવાનું સામે આવ્યું છે.