જામનગરમાં ચાંદીબજાર વિસ્તારમાં ટ્રાફિક શાખા અને ટોઇંગ વાહનની ટીમ દ્વારા ભેદભાવની નીતિ સામે ચાંદી બજારના વેપારીઓ ખફા

જામનગર તા,05 માર્ચ, 2022
જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં ટ્રાફિક શાખા દ્વારા અવારનવાર વાહનો ટોઈંગ કરવામાં આવે છે.તેમજ અન્ય વિસ્તારોમાં ક્યાં જ્યાં ચાંદીબજાર કરતાં પણ વધુ ટ્રાફિક હોય છે, ત્યાં આ રીતની કામગીરી આટલા પ્રમાણમાં કરવામાં આવતી ન હોય જેથી પોલીસની ભેદભાવ વાળી નીતિ રીતિના અનુસંધાને ચાંદીબજાર વેપારી એસોસિએશન તેમજ ત્યાંના સોની વેપારીઓ દ્વારા આજરોજ ટ્રાફિક શાખામાં એક આવેદન આપવામાં આવ્યું હતું.
ચાંદી બજાર સર્કલમાંથી અનેક વખત રાત્રે ૮ વાગ્યા પછી પણ વાહનો જપ્ત કરાતા હોવાથી વેપારીઓ અને ગ્રાહકો પણ પરેશાન છે. ટોઈંગ એજન્સી દ્વારા દિવસ દરમ્યાન ચાર પાંચ વખત ચાંદી બજાર સર્કલમાં વાહન જપ્ત કરવા જવું અને અન્ય વિસ્તારો પ્રત્યે આંખ આડા કાન કરવાની વાત યોગ્ય જણાતી નહી હોવાનું વેપારીઓનું વેપારીઓ દ્વારા જણાવાયું છે.
ચાંદી બજારમાં ૮ રીક્ષાઓના પાર્કિંગમાં ૧૦થી વધારે રીક્ષાઓ ખડકાયેલી હોય છે, તેમાં ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નહી તથા પાર્કિંગની જગ્યામાં ખાણી પીણીની રેકડીઓના ધંધાર્થીઓનો અડીંગો છે. ત્યાં કોઈ કાર્યવાહી નહિ, ફક્ત વેપારીઓને ટાર્ગેટ બનાવાય છે. ટ્રાફિકની બેવડી નીતિ સામે વેપારીઓ દ્વારા અપાયેલા આ આવેદનમાં સોની સમાજ પ્રમુખ ધીરેનભાઈ મોનાણી, સુભાષભાઈ પાલા, ધર્મેશભાઈ વડનગરા, કિશોરભાઈ પાટડીયા, પંકજભાઈ મોનાણી, મિલનભાઈ વજાણી, કૃણાલભાઈ ઝીંઝુંવાડીયા તેમજ અન્ય વેપારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.




