Gujarat

સિધ્ધપુરના નિદ્રોડા ગામે ઝેરી પદાર્થ ખાઈ જવાથી ર૮ બકરા ટપોટપ મોતને ભેટયા

By GS Team
15 Dec 20181 min read
This article was originally published on 15 Dec 2018
સિધ્ધપુરના નિદ્રોડા ગામે ઝેરી પદાર્થ ખાઈ જવાથી ર૮ બકરા ટપોટપ મોતને ભેટયા

પાલનપુર, તા.૧૪ ડિસેમ્બર, ૨૦૧૮, શુક્રવાર

સિધ્ધપુર તાલુકાના નિદ્રોડા ગામે શુક્રવારના રોજ ર૮   બકરાઓને ગામનો એક યુવાન ચરાવવા માટે ખેતરોમાં લઈ ગયો હતો. ત્યારે ખેતરમાં મુકેલી ઝેરી પદાર્થ ખાવાથી ઘટના સ્થળે જ અચાનક ર૮ બકરા તરફડીને મોત પામ્યા હતા. આ ઘટનાની જાણ થતા પશુપ્રેમીઓ દોડી આવ્યા હતા અને આવા ઝેરી પદાર્થ મુકનાર લોકો પ્રત્યે ફિટકારની લાગણી વરસાવી હતી.

સિધ્ધપુર તાલુકાના નિદ્રોડા ગામે શુક્રવારે સવારે ગામનો યુવાન પટ્ટણી રમણભાઈ મુગાભાઈ પોતાના ર૮ બકરા લઈને રોજની જેમ ખેતરમાં ચરાવવા જઈ રહ્યો હતો. ત્યારે બકરાઓ નિરાંતે ચારો ચરી રહ્યા હતા. અચાનક એક પછી એક બકરા તરફડવા લાગ્યા હતા. જેથી પટ્ટણી રમણાઈએ બકરાઓને પાણી પીવડાવવાની કોશીશ કરી હતી.

પરંતુ બધી જ કોશીશ નાકામ રહેતા ટપોટપ એક પછી એક બકરાઓના મોતને ભેટયા હતા. જેને લઈ પશુ પ્રેમીઓમાં રોષની લાગણી વ્યાપી હતી અને આવી ઘટનાઓ કયા કારણસર બની રહી છે અને આવી મારણ થઈ શકનાર દવાઓ મુકનાર સામે સખત પગલા લેવા માંગણી કરી હતી. 

આ અંગે નિદ્રાડા ગામના સરપંચ દશરથભાઈ ઠાકોરે જણાવ્યુ હતુ કે નીલગાય અને ભુંડના ત્રાસથી ઉભા પાકને થતુ નુકશાન રોકવા આવા ઝેરી પદાર્થ ખેતરમાં મુકવામાં આવે છે જે આ બકરાઓ ખાઈ જતા મોતને ઘાટ ઉતર્યા હોવાનુ પ્રાથમિક  દૃષ્ટીએ દેખાઈ રહ્યુ છે.