નડિયાદનો ચોંકાવનારો કિસ્સો: મહિલા સાથે લિવઇનમાં રહેતા સાવકા બાપે સગીર દીકરીને ગર્ભવતી બનાવી
Nadiad News : નડિયાદ તાલુકાના એક ગામમાં લિવઈનમાં રહેતા સાવકા પિતાએ સગીર સાવકી પુત્રી પર વારંવાર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી લીધી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં નડિયાદ ગ્રામ્ય પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
નડિયાદ તાલુકાના એક ગામમાં આરોપી પુરૂષે ભોગ બનનાર કિશોરીની માતા સાથે લિવઈન રિલેશનશિપનો કરાર કર્યો હતો. કરારમાં મહિલાની અગાઉની દીકરીઓની પણ જવાબદારી આરોપીએ લીધી હતી. પરંતુ, દીકરીઓની જવાબદારી નિભાવવાના બદલે હેવાનિયતની હદો પાર કરી દીધી હતી. માતા બીમાર પડતાં ઘરની જવાબદારી પીડિતા કિશોરીના માથે આવી ગઈ હતી. આ સ્થિતિનો લાભ લઈ આરોપી સાવકા પિતાએ કિશોરી ઉપર વારંવાર બળાત્કાર ગુજાર્યો હોવાથી તેણીને ગર્ભવતી બનાવી દીધી હતી.
સાવકા પિતાની હેવાનિયત માત્ર મોટી પુત્રી સુધી સિમિત ન રહેતા નાની પુત્રી સાથે પણ શારીરિક અડપલાં કર્યા હોવાનું સામે આવ્યું છે. પૂરાવા અને હકીકતોના આધારે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો દાખલ કરી આરોપી પિતાને ઝડપી લઈ તેની સામે કાર્યવાહી હાથ ધરી છે.