Gujarat

અમદાવાદમાં બિલાડી પર પથ્થરો મારી ઘાતકી હત્યા કરનારની ધરપકડ, ચોંકાવનારું કારણ આવ્યું સામે

By GS TEAM
22 Dec 20253 mins read
TukuTouch Logo
શહેરમાં પશુ પ્રત્યેની ક્રૂરતાની એક એવી ઘટના સામે આવી છે જે સાંભળીને કોઈપણનું કાળજું કંપી ઉઠે. નવા વાડજ વિસ્તારમાં એક પત્થર જેવા હૃદયના યુવકે નિર્દોષ બિલાડીને અત્યંત નિર્દયતાપૂર્વક મોતને ઘાટ ઉતારી હતી. આ અમાનવીય કૃત્યનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે વાડજ પોલીસે ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં બિલાડી પર પથ્થરો મારી ઘાતકી હત્યા કરનારની ધરપકડ, ચોંકાવનારું કારણ આવ્યું સામે

Animal Cruelty In Ahmedabad: શહેરમાં પશુ પ્રત્યેની ક્રૂરતાની એક એવી ઘટના સામે આવી છે જે સાંભળીને કોઈપણનું કાળજું કંપી ઉઠે. નવા વાડજ વિસ્તારમાં એક પત્થર જેવા હૃદયના યુવકે નિર્દોષ બિલાડીને અત્યંત નિર્દયતાપૂર્વક મોતને ઘાટ ઉતારી હતી. આ અમાનવીય કૃત્યનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે વાડજ પોલીસે ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે.

શું છે સમગ્ર ઘટના?

મળતી વિગતો મુજબ, નવા વાડજમાં આવેલા સહજ હાઈટ્સ પાસે કોર્પોરેશનના ખાલી પ્લોટમાં આ લોહીલુહાણ ખેલ ખેલાયો હતો. એક્ટિવા પર બે યુવકો અને એક બાળક સફેદ કોથળો લઈને આવ્યા હતા. આ કોથળામાં એક જીવતી બિલાડી હતી.

ક્રૂરતાની પરાકાષ્ઠા

સૌ પ્રથમ યુવકે કોથળાને જમીન પર જોરથી પછાડ્યો હતો. બિલાડી બહાર નીકળતા જ તેના પર એક પછી એક પાંચથી વધુ વખત ભારે પથ્થરો ઝીંકવામાં આવ્યા હતા. આટલેથી ન અટકતા, વિકૃત માનસ ધરાવતા યુવકે બિલાડીના મોઢા પર પગ મૂકી તેને કચડી નાખી હતી.અંતે, લોહીલુહાણ હાલતમાં તરફડતી બિલાડી પાસે બેસીને યુવકે વિકૃત રીતે ફોટા પણ પડાવ્યા હતા.



આ પણ વાંચો: અમદાવાદની વિવાદાસ્પદ સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે હસ્તક લીધો, DEOની વહીવટદાર તરીકે નિમણૂક


ઘટનાનો વીડિયો બન્યો મજબૂત પુરાવો

આ સમગ્ર ઘટના બાજુની બિલ્ડિંગમાં રહેતા એક જાગૃત નાગરિકે પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. વીડિયોમાં એક્ટિવાનો નંબર સ્પષ્ટ દેખાતો હોવાથી પોલીસને આરોપી સુધી પહોંચવામાં સરળતા રહી હતી.


પોલીસ કાર્યવાહી: મુખ્ય આરોપીની ધરપકડ

વીડિયો અને પુરાવાઓના આધારે વાડજ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. એક્ટિવા નંબરના આધારે પોલીસે મુખ્ય આરોપીની ઓળખ કરી તેની અટકાયત કરી લીધી છે. અને બી.એન.એસ.ની કલમ 325 તથા પશુ ક્રુરતા સંરક્ષણ અધિનિયમ (Prevention of Cruelty to Animals Act)ની કલમ 11(1)(એલ) મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

બિલાડીની હત્યા પાછળનું કારણ

પોલીસ તપાસમાં આ કૃત્ય પાછળનું કારણ એવું સામે આવ્યું છે કે મુખ્ય આરોપી રાહુલ દંતાણીની પત્ની જ્યારે બિલાડીને દૂધ પીવડાવવા જતી હતી, ત્યારે બિલાડી ભડકી જવાથી તેની પત્નીને ઈજા થઈ હતી અને તેના ગુસ્સામાં આવીને તેણે બિલાડીને મારી નાખવાનું પગલું ભર્યું હતું. વીડિયોમાં દેખાતા અન્ય બે શખસોની ભૂમિકા અંગે વધુ પૂછપરછ ચાલુ છે, પરંતુ હાલમાં ગુનામાં તેમનો કોઈ સક્રિય રોલ જણાયો નથી. પોલીસના જણાવ્યાનુસાર, પકડાયેલો આરોપી બલોલનગરનો રહેવાસી છે અને છૂટક મજૂરી કરે છે, જેનો કોઈ અગાઉનો ગુનાહિત ઇતિહાસ અત્યાર સુધી જણાયો નથી, છતાં ગુજકોપ સર્ચ દ્વારા તેની અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિ છે કે કેમ તેની ખાતરી કરવામાં આવી રહી છે.

આ ઘટનાએ ફરી એકવાર સમાજમાં પશુઓ પ્રત્યે વધતી જતી હિંસા અને વિકૃત માનસિકતા સામે લાલબત્તી ધરી છે. સ્થાનિક જીવદયા પ્રેમીનું કહેવું છે કે, "નિર્દોષ જીવ પ્રત્યેની આવી ક્રૂરતા સમાજ માટે કલંક સમાન છે. આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ."