Gujarat

ગુજરાતમાં 45 ડિગ્રી સાથે આકરી હીટવેવની આગાહી, કચ્છ-સુરેન્દ્રનગરમાં ઑરેન્જ ઍલર્ટ જાહેર

By GS TEAM
11 May 20262 mins read
TukuTouch Logo
ગુજરાતમાં ઉનાળાનો અસલી મિજાજ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી ચાર દિવસ રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. પશ્ચિમી પવનો ફૂંકાવાને કારણે રાજ્યના અનેક શહેરોમાં પારો 41થી 45 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે, જેને પગલે વહીવટીતંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે વિવિધ જિલ્લાઓમાં ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં 45 ડિગ્રી સાથે આકરી હીટવેવની આગાહી, કચ્છ-સુરેન્દ્રનગરમાં ઑરેન્જ ઍલર્ટ જાહેર

Gujarat Heatwave Alert: ગુજરાતમાં ઉનાળાનો અસલી મિજાજ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી ચાર દિવસ રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. પશ્ચિમી પવનો ફૂંકાવાને કારણે રાજ્યના અનેક શહેરોમાં પારો 41થી 45 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે, જેને પગલે વહીવટીતંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે વિવિધ જિલ્લાઓમાં ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ક્યાં કેવું ઍલર્ટ?

આ અંગે અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું કે, '11મીથી 17મી મે સુધીની હવામાનની આગાહી જણાવી રહ્યો છું, જેમાં આ સમયગાળા દરમિયાન હવામાન મોટાભાગે સૂકું રહેશે અને આવતા ચાર દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં. કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 41થી 45 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની સંભાવના છે, જોકે ત્યારબાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે. 11થી 14 મે એમ ચાર દિવસ માટે હીટવેવની ચેતવણી છે.'

આ પણ વાંચો: સુરત: લિંબાયતમાં 17 વર્ષીય કિશોરની હત્યા કરનાર આરોપી ‘હાફ એન્કાઉન્ટર’ બાદ ઝડપાયો

આ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ

સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં આગામી 3 દિવસ માટે કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ છે. આ ઉપરાંત, બાકીના વિસ્તારો જેવા કે દ્વારકા, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી તેમજ ગુજરાત રિજિયનમાં બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, આણંદ, બરોડા, સુરત અને અમદાવાદ માટે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

પવનની દિશા કેવી રહેશે?

બીજી તરફ ઉત્તર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશા તરફ અને દક્ષિણ ગુજરાતમાં ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશા તરફ પવન ફૂંકાવાની સ્થિતિ રહેશે. પવનની ઝડપ 15થી 20 નોટ રહેશે અને તે વધીને 25 નોટ સુધી પણ પહોંચી શકે છે. 

અમદાવાદમાં અંગ દઝાડતી ગરમી

અમદાવાદ માટે આજે આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે અને મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાનું અનુમાન છે. સૌથી વધુ તાપમાન કંડલા ઍરપૉર્ટ પર 45.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે સામાન્ય કરતાં 4.2 ડિગ્રી વધારે છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં 45 ડિગ્રી, સુરતમાં 41.7 ડિગ્રી, અમદાવાદમાં 43.3 ડિગ્રી અને ગાંધીનગરમાં 42.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. આજે 5 સ્થળોએ હીટવેવ નોંધાયો છે, જેમાં સુરત, પોરબંદર, કેશોદ, કંડલા ઍરપૉર્ટ અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે.