Get The App

લેબર કોન્ટ્રાક્ટર સહિત 3 શખ્સને સજાનો હુકમ

Updated: Mar 18th, 2026

GS TEAM

Google News
Google News
લેબર કોન્ટ્રાક્ટર સહિત 3 શખ્સને સજાનો હુકમ 1 - image

- ભાવનગર, મહુવા અને ગઢડા કોર્ટનો ચુકાદો

- ચેક બાઉન્સના અલગ-અલગ કેસોમાં આરોપીઓ દંડ ન ભરે તો વધુ સજા ભોગવવાનો આદેશ

ભાવનગર : ચેક રિટર્નના અલગ-અલગ કેસોમાં ન્યાયપાલિકાએ લેબર કોન્ટ્રાક્ટર સહિત ત્રણ શખ્સને સજા અને દંડ ભરવા હુકમ કર્યો છે.

ગઢડાના ગુંદાળા ગામે અને હાલ સુરત, બામરોલી ચોકડી, રઘુવીર સોસાયટી, માટુગ ફ્લેટ, એ-૨૦૧માં રહેતો લેબર કોન્ટ્રાક્ટર વિનુ ઓધવજીભાઈ ભીંસરા નામના શખ્સ સામે લક્ષ્મણભાઈ જેરામભાઈ માંડાણી (રહે, ટાઉન હોલ પાસે, બોટાદ રોડ, ગઢડા)એ ચેક રિટર્નની બે અલગ-અલગ ફરિયાદો કરી હતી. જે બન્ને કેસ ગઢડાના જ્યુડી. મેજિ. ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં ચાલી જતાં ન્યાયમૂર્તિ એચ.એ.મકાએ આરોપી વિનુ ભીંસરાને બે-બે વર્ષ સાદી કેદની સજા, ફરિયાદીને ૩૦ દિવસમાં વળતર પેટે બે-બે લાખ ચૂકવવા અને રકમ ન ચૂકવે તો વધુ છ-છ માસ સાદી કેદની સજાનો હુકમ કર્યો છે.

મહુવામાં હવેલી શેરી, સ્વામિનારાયણ મંદિર પાસે રહેતો કૌશિક નવનીતરાય પરમાર નામના શખ્સ સામે સામતભાઈ લાખુભાઈ શીઢા (રહે, તાવેડા)એ નોંધાવેલી ચેક બાઉન્સની ફરિયાદમાં મહુવાના એડી. ચીફ જ્યુડી. મેજિ. એચ.ડી.શર્માએ આરોપી કૌશિક પરમારને તકસીરવાન ઠેરવી છ માસ સાદી કેદની સજા, ચેકની બમણી રકમ ચાર લાખનો દંડ અને દંડની રકમ ન ભરે તો વધુ એક માસ સાદી કેદની સજા ફટકારી છે.

શહેરના ફુલસર, કર્મચારીનગર, ૩૦૯માં રહેતા અરવિંદભાઈ એન. સરવૈયાએ ભાવનગરના ત્રીજા એડી. ચીફ જ્યુડી. મેજિ.ની કોર્ટમાં એન.આઈ. એક્ટની કલમ ૧૩૮ હેઠળ નોંધાવેલી ફરિયાદમાં આરોપી સહદેવસિંહ મંગળસિંહ ગોહિલ (રહે, પ્લોટ નં.૩૮૪/૨૪૪, સાગવાડી, કાળિયાબીડ) નામના શખ્સને ન્યાયધીશ વાય.બી. પટેલે કસુરવાન ઠેરવી એક વર્ષ સાદી કેદની સજા, ૬૦ દિવસમાં ફરિયાદીને વળતર પેટે ૫૦ હજારની રકમ ચૂકવવા અને જો વળતરની રકમ ન ચૂકવે તો વધુ ત્રણ માસ સાદી કેદની સજા ભોગવવા હુકમ ફરમાવ્યો હતો.