દોઢ ટકો વળતરની લાલચ આપી 80થી વધુ રોકાણકારો સાથે આચરાયેલા કૌભાંડના મુખ્ય સૂત્રધાર અમિત ભાણવડિયાની 8 થી વધુ મિલકતો ક્રાઈમ બ્રાંચે શોધી ટાંચમાં લેવા પ્રક્રિયા આરંભી
રાજકોટ, : રોકાણ પર દોઢ ટકાના વળતરની લાલચ આપી રાજકોટના 80થી વધુ રોકાણકારોના રૂા. 70 કરોડથી વધુ રકમનું ફૂલેકું ફેરવવાના પ્રકરણમાં ક્રાઈમ બ્રાંચે મુખ્ય સૂત્રધાર અમિત ભાણવડીયાની અગાઉ ધરપકડ કરી હતી. હવે આ પ્રકરણમાં બીજા આરોપી અજય હરિભાઈ માકડિયા (ઉ.વ. 52, રહે. રૈયા ટેલિફોન એક્ષચેંજ પાસે, હરીનગર શેરી નં.૩)ની પણ ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ પર મેળવી તપાસ જારી રાખી છે.
શહેરમાં નમકીનના ધંધા સાથે સંકળાયેલા વડાલીયા પરિવારે પોતાની સાથે રૂા. 10 કરોડથી વધુ રકમની છેતરપીંડી થયાની ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી. તે સાથે જ ક્રાઈમ બ્રાંચે મુખ્ય સૂત્રધાર અમિત ભાણવડીયાની ધરપકડ કરી રિમાન્ડ પર લીધો હતો. તપાસના અંતે તેને જેલહવાલે કરાયો હતો.
આ કૌભાંડ અંગે ફરિયાદ નોંધાતા જ ભોગ બનનાર રોકાણકારોની ક્રાઈમ બ્રાંચે કતારો લાગવાનું શરૂ થઈ ગયું હતું. અત્યાર સુધી 80થી વધુ રોકાણકારોએ ક્રાઈમ બ્રાંચનો સંપર્ક કર્યો છે. આ તમામ સાથે રૂા.૭૦ કરોડથી વધુ રકમની છેતરપીંડી થઈ છે. ભોગ બનેલા રોકાણકારો અને છેતરપીંડીનો આંક વધુ હોવાની ચર્ચા વચ્ચે ક્રાઈમ બ્રાંચે અજય માકડીયાની ધરપકડ કરી છે.
ક્રાઈમ બ્રાંચના સૂત્રોએ જણાવ્યું કે આરોપીઓ સ્ટોન ક્રશર પેઢીમાં, રિઅલ એસ્ટેટ વગેરેમાં રોકાણ ઉપર દોઢ ટકાનું વળતર આપવાની લાલચ આપતાં હતા. જેને કારણે અનેક રોકાણકારો આરોપીઓની જાળમાં ફસાયા હતા. પુછપરછમાં આરોપીઓ શેર બજારમાં, જુગારમાં, એમસીએકસના સટ્ટામાં અને રિઅલ એસ્ટેટના ધંધામાં પૈસા ગુમાવ્યાનું રટણ કરી રહ્યા છે.
મુખ્ય સૂત્રધાર અમિત ભાણવડીયાની 8થી 10 મિલકતો શોધી કાઢવામાં આવી છે. જેને કાયદાકિય પ્રક્રિયા બાદ ટાંચમાં લેવાની કાર્યવાહી કરાશે. આ કેસમાં હજુ અજય માકડિયાનો ભાઈ વિજય ફરાર છે. આ ઉપરાંત બીજા આરોપીઓના પણ નામ ખુલતાં તમામની ક્રાઈમ બ્રાંચ શોધખોળ કરી રહી છે. આ પ્રકારના કેસોમાં મોટાભાગના ભોગ બનનારાઓને મહદ્દઅંશે તેમની ગુમાવેલી રકમ પરત મળતી નથી. આ પ્રકરણમાં પણ ક્રાઈમ બ્રાંચ હજુ સુધી કોઈ રિકવરી કરી શકી નથી. જીપીઆઈડી એકટ મુજબ આ પ્રકરણમાં ફરિયાદ નોંધાઈ છે.


