Get The App

અમદાવાદમાં 'લવગુરુ સ્કેમ'નો બીજો સાગરિત ઝડપાયો, રિલેશનશિપની સમસ્યા ઉકેલવાના બહાને કૌભાંડ ચલાવતા

Updated: May 25th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં 'લવગુરુ સ્કેમ'નો બીજો સાગરિત ઝડપાયો, રિલેશનશિપની સમસ્યા ઉકેલવાના બહાને કૌભાંડ ચલાવતા 1 - image

Ahmedabad News: સોશિયલ મીડિયામાં લવ ગુરુ બનીને પ્રેમ અને રિલેશનશિપની સમસ્યાનો ઉકેલ લાવવાના બહાને છેતરપિંડી કરતી ગેંગનો સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર્દાફાશ કર્યો હતો. જેમાં આરોપી દ્વારા 18થી 35 વર્ષની મહિલાઓને નિશાન બનાવીને વિધિ અને શુદ્ધિકરણના બહાને મહિલાઓ પાસેથી ઓનલાઈન પૈસા પડાવતા હતા. સમગ્ર કૌભાંડના મુખ્ય માસ્ટરમાઈન્ડ રજનીશ સહિત ત્રણ શખસો ઘટનાને અંજામ આપી મહિલાઓના લાઈવ સ્ટ્રિમિંગનું રેકોર્ડિંગ કરીને બ્લેકમેલ કરતાં હતા. આમ, આરોપીઓએ છેલ્લા બે વર્ષમાં ફેક પ્રોફાઈલ અને એડ્સ ચલાવીને અનેક મહિલાઓ સાથે છેતરપિંડી કરીને કુલ 60 લાખથી વધુ રકમ પડાવી હોવાનું સામે આવ્યું છે. આ મામલે 'લવગુરુ સ્કેમ'નો બીજો આરોપી ઝડપાયો છે. 

અમદાવાદમાં 'લવગુરુ સ્કેમ'નો બીજો સાગરિત ઝડપાયો

આ અંગે સાયબર ક્રાઈમ DCPએ જણાવ્યું કે, 'અમે જે લવગુરુ સ્કેમનો પર્દાફાશ કર્યો હતો, તેમાં પહેલા આરોપીની અટકાયત બાદ હવે અમે બીજા આરોપી વિકાસ પોખરાજ ભાર્ગવની ધરપકડ કરી છે. આ આખું કૌભાંડ ત્રણ લોકો મળીને ચલાવતા હતા, જેમાં તેઓ સોશિયલ મીડિયા અને ઇન્સ્ટાગ્રામ પર પૂજા કિન્નર, કિન્નર માતા અને લવ ગુરુ રિલેશનશિપ ગુરુ જેવા નામના અનેક ફેક પ્રોફાઇલ બનાવતા હતા. તેમનો મુખ્ય ટાર્ગેટ એવી મહિલાઓ હતી જેઓ રિલેશનશિપ, ડિવોર્સ કે પ્રેમ સંબંધિત સમસ્યાઓ ધરાવતી હોય. અમે તપાસમાં જાણ્યું કે તેઓ આ મહિલાઓ સાથે મિત્રતા કેળવીને તેમની સમસ્યાઓના ઉકેલ માટે શુદ્ધિકરણ અને શ્રીફળના જાપ જેવી વિવિધ પૂજાઓ અને વિધિઓના બહાને ફોન પરથી પૈસા પડાવતા હતા.'

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, જ્યારે કોઈ મહિલા તેમની જાળમાં વધુ ફસાઈ જાય ત્યારે તેઓ છેલ્લે શુદ્ધિકરણ નામની વિધિના બહાને મહિલાને મ્યુટ કરીને લાઈવ સ્ટ્રિમિંગ કરાવતા અને તેનું સ્ક્રિન રેકોર્ડિંગ કરી તેમને બ્લેકમેલ કરતા હતા. જેમાં મૂળ રાજસ્થાનના બિકાનેરનો વિકાસ ભાર્ગવ ટાર્ગેટ ઓડિયન્સ લાવવાનું કામ કરતો હતો. તે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર 18થી 35 વર્ષની મહિલાઓ, જેમને એસ્ટ્રોલોજી કે લવ પ્રોબ્લેમ્સમાં રસ હોય તેમને જ ટાર્ગેટ કરીને ખાસ એડ્સ આપતો હતો અને સોશિયલ મીડિયામાં ઓપન પ્રોફાઇલવાળી મહિલાઓને જાતે સર્ચ કરીને રિક્વેસ્ટ મોકલતો હતો. આ રીતે તેઓ એક મહિનામાં 300થી 400 મહિલાઓને ટાર્ગેટ કરતા અને તેમાંથી 50થી 60 મહિલાઓને ભોગ બનાવતા હતા. 

આ પણ વાંચો: 'માજી આમાં અઢી લાખ છે...' અમદાવાદમાં વૃદ્ધાને લાલચ આપી દાગીના લૂંટનારા 3 આરોપી ઝડપાયા

સમગ્ર કૌભાંડનો માસ્ટરમાઈન્ડ આરોપી રજનીશ મહિલા જેવો અવાજ લાગે તે માટે પોતે કિન્નર હોવાનું કહી વોટ્સએપ કે ફેસબુકના કૉલ પર વાત કરતો હતો. જેમાં રજનીશની સાથે વિકાસ અને રવિની સમગ્ર કૌભાંડમાં સરખી ભાગીદારી હતી. આ લોકોએ છેલ્લા બે વર્ષમાં મહિલાઓ પાસેથી કુલ 60 લાખ રૂપિયા જેટલી રકમ પડાવી છે. આ પડાવેલા પૈસાનો ઉપયોગ તેઓ પોતાના અંગત કારણો માટે અને બિઝનેસમાં ઇન્વેસ્ટ કરવા એટલે કે વધુ મહિલાઓ સુધી પહોંચવા માટે ઇન્સ્ટાગ્રામ પર એડ્સ ચલાવવા માટે કરતા હતા.