Gujarat

ધર્મજના આધેડ, ચમારા અને જંત્રાલ ગામની 2 યુવતી ગુમ થતા શોધખોળ

By GS TEAM
31 Dec 20251 min read
ધર્મજના આધેડ, ચમારા અને જંત્રાલ ગામની 2 યુવતી ગુમ થતા શોધખોળ

- આણંદ જિલ્લામાં ગુમ થવાના 3 કિસ્સાઓ 

- પેટલાદ ગ્રામ્ય, આંકલાવ અને વીરસદ પોલીસ દ્વારા નોંધી કરી તપાસ હાથ ધરવામાં આવી

આણંદ : પેટલાદ તાલુકાના ધર્મજ ગામના આધેડ, આંકલાવ તાલુકાના ચમારા ગામની યુવતી અને બોરસદ તાલુકાના જંત્રાલ ગામની યુવતી લાપતા થઈ હોવાના ત્રણ અલગ અલગ બનાવો મામલે પેટલાદ ગ્રામ્ય, આંકલાવ અને વીરસદ પોલીસ મથકે નોંધાયા છે. 

પેટલાદ તાલુકાના ધર્મજ ગામના રબારી વાસ ખાતે રહેતા ૪૫ વર્ષીય મફતભાઈ ગાંડાભાઈ રબારી ગત તા. ૨૮મી ડિસેમ્બરના રોજ કોઈને કંઈ કહ્યાં વિના ક્યાંક ચાલી જઈ ગુમ થયા હતા. જે અંગે કૃણાલ કુમાર રબારીએ પેટલાદ ગ્રામ્ય પોલીસ મથકમાં જાણ કરી હતી. બીજા બનાવમાં આંકલાવ તાલુકાના ચમારા ગામના ટેકરા વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્રભાઈ હરિચંદ્ર ભાઈ સાધુની ૨૧ વર્ષીય દીકરી કેશાબેન ગ. ૨૭ ડિસેમ્બરના રોજ આંકલાવની નવજીવન હોસ્પિટલમાંથી રજા લઈને ઘરે જવા નીકળી હતી, જોકે તેણી ઘરે નહીં પહોંચી લાપતા થતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી પરંતુ તેણીનો કોઈ પતો ન લાગતાં આખરે આંકલાવ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે જાણવા જોગ નોંધ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. અન્ય એક બનાવમાં બોરસદ તાલુકાના જંત્રાલ ગામની તળાવ સીમમાં રહેતી ૨૨ વર્ષીય જ્યોત્સનાબેન વિનુભાઈ સોલંકી ગત તા. ૨૮મી ડિસેમ્બરની રાત્રિના સુમારે કોઈને કંઈ કહ્યાં વિના ક્યાંક ચાલી જઈ લાપતા થઈ હતી. જે અંગે વિનુભાઈ સોલંકીએ વીરસદ પોલીસ મથકમાં જાણ કરી હતી.