Gujarat

અમદાવાદના શિવાલિક, શિલ્પ, શારદા બિલ્ડર ગ્રુપ પર આવકવેરાના દરોડા

By GS Team
11 Feb 20223 mins read
This article was originally published on 11 Feb 2022
અમદાવાદના શિવાલિક, શિલ્પ, શારદા બિલ્ડર ગ્રુપ પર આવકવેરાના દરોડા

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, ગુરૂવાર

અમદાવાદના શિવાલિક બિલ્ડર, શિલ્પ ડેવલપર્સ અને શારદા કન્સ્ટ્રક્શનની ઑફિસો અને રહેઠાણ મળીને આજે સવારથી ૨૫ સ્થળોએ આવકવેરા ખાતાના અધિકારીઓએ દરોડા ચાલુ કર્યા છે. આ ડેવલપર્સે અને બિલ્ડરે એક મેકના સાથસહકારમાં સ્કીમો તૈયાર કરીને તેમાં રોકડના ંજગી વહેવારો કર્યા છે. તેમ જ જમીનના સોદામાં તો ૯૦ ટકા રોકડના વહેવારો કર્યા છે. લક્ઝરિયસ ફ્લેટ્સ અને કોમર્શિયલ સ્પેસમાં રોકડના થતાં વહેવારોને પણ પકડી પાડવા માટે તેમની ઑફિસોમાંથી કોમ્પ્યુટરાઈઝ ડેટા અને દસ્તાવેજી પુરાવાઓ એકત્રિત કરવા માંડયા છે. આ તમામ બાબતોને લગતા દસ્તાવેજી પુરાવાઓ એકત્રિત કરવાની કવાયત ચાલુ કરી દેવામાં આવી છે. દરોડા પાડનારા અધિકારીઓએ ૧૫થી વધુ લૉકરો સીલ કર્યા છે. તેમ જ એક કરોડથી વધુની રોકડ મળી આવી છે. આ રોકડની ગણતરી ચાલુ છે.

શિવાલિકના પ્રમોટર સતીશ શાહ મોટા પુત્ર ચિત્રક શાહ અને તરલ શાહના ફન રિપબ્લિકથી આંબલી તરફ જતાં શિવાલિક બંગલાની સ્કીમમાં આવેલા બંગલાઓ પર પણ આવકવેરા ખાતાના અધિકારીઓએ દરોડા પાડયા છે. શિવાલિક બિલ્ડરની રામદેવનગર ચાર રસ્તા પાસે આવેલા સેટેલાઈટ પોલીસ સ્ટેશનની પાસે આવેલી ઑફિસ પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદ, રાજકોટ અને સુરતમાં સક્રિય શિવાલિક બિલ્ડરની અમદાવાદમાં જજીસ  બંગલા પાસેની શિવાલિસ પ્લેટિનમની સાઈટ ઉપરાંત શિવાલિક શારદા હાર્મોની, વસ્ત્રાપુરની શિવાલિક શિલ્પની સ્કીમને પણ તપાસ હેઠળ આવરી લેવામાં આવી છે. 

શિલ્પ ગુ્રપના પ્રમોટર યશબ્રહ્મભટ્ટના અને તેમના પાંચથી છ પાર્ટનરને દરોડા હેઠળ આવરી લેવામાં આવ્યા છે. તેમની રાજપથ રંગોલી રોડ પર આવેલા શિલ્પ હાઉસને દરોડામાં આવરી લેવામાં આવ્યું છે.ભૂતકાળમાં શરણમની સ્કીમો મૂકનાર વિશ્વનાથ ગુ્રપના દુષ્યંત પંડયા અને હિતેશ વ્યાસ સાથે પણ તેમના કનેક્શન હતા. શિલ્પ રેવન્ટા નામની સ્કીમના વહેવારો પણ આવકવેરા અધિકારીઓના સ્કેનર હેઠળ છે. 

શારદા ગુ્રપના પ્રમોટર દીપક નિમ્બાર્કના સંતોષા પાર્ક સોસાયટીમાં આવેલા નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા છે. તેમના બીજા ચારથી પાંચ પાર્ટનરને પણ દરોડા હેઠળ આવરી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.  દીપક નિમ્બાર્કના શાદરા ગુ્રપે શૈલામાં શારદા શિવાલિકના નામે ચિત્રક ને તરલ શાહ સાથે જોઈન્ટ વેન્ચરમાં સ્કીમ મૂકી હોવાથી તેના કનેક્શનમાં તેમના પર દરોડા પાડવામાં આવ્યા હોવાનું જાઁણવા મળી રહ્યું છે. બીજું, તેમના જમીનમાં બહુ જ મોટા વહેવારો છે. આ જમીનમાં ૯૦ ટકા રકમ રોકડેથી લેવાતી હોવાની માહિતીને આધારે તેમને દરોડા હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આ રોકડના વહેવારો પકડી પાડવા પર પણ ફોકસ કરવામાં આવી રહ્યું છે. 

આ ત્રણેય બિલ્ડર ગુ્રપ દ્વારા રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોપર્ટીના ડીલિંગમાં ૪૦ ટકાથી વધુ રકમ રોકડેથી લેવામાં આવતી હોવાની વિગતો આવકવેરા અધિકારીઓને મળી આવી હોવાનું બહાર આવી રહ્યું છે. 

ત્રણ બ્રોકરો પણ આવકવેરા અધિકારીઓની ઝપટમાં

આવકવેરા ખાતાના અધિકારીઓ આ બિલ્ડર્સ અને ડેવલપર્સ સાથે ડીલિંગ કરતાં આવેલા બ્રોકર મનીષ બ્રહ્મભટ્ટ, કિરણ ઇન્દ્રવદન ઠાકર ઉપરાંત કેતન શાંતિલાલ શાહને પણ આવરી લીધા છે. આ ત્રણેય જમીનના સોદા કરવામાં મધ્યસ્થી બનવા ઉપરાંત નવા પ્રોજેક્ટ લોન્ચ કરતી વેળાએ બલ્ક બુકિંગ કરાવવામાં બિલ્ડરોને સાથ આપતા આવ્યા છે. કેતન શાંતિલાલ શાહનું જમીનમાં ખાસ્સું કામ હોવાના નિર્દેશો પણ મળી રહ્યા છે. 

કોને ત્યાં કયા સ્થળે દરોડા

-શિવાલિક બંગલા ચિત્રક શાહ, તરલ શાહ, આંબલી રોડ

શિવાલિક બિલ્ડરની ઑફિસ, રામદેવ નગર

શિલ્પ હાઉસ, (ઑફિસ) રાજપથ રંગોલી રોડ

યશ બ્રહ્મભટ્ટ, સંતોષા પાર્ક સોસાયટી અશોક વાટિકા સામે, આંબલી રોડ

દીપક નિમ્બાર્ક, શારદા ગુ્રપ સંતોષા પાર્ક સોસાયટીના ઘરે દરોડા

કિરણ ઇન્દ્રવદન ઠાકર- જોધપુર

કેતન શાંતિલાલ શાહ- આંબાવાડી

મનીષ બ્રહ્મભટ્ટ (બ્રોકર)