Gujarat

પશુપાલક અને એનિમલ કેચર વચ્ચે નાણાકીય વ્યવહારના સ્ક્રીનશોટ વાયરલ થતા વિવાદ

By GS TEAM
15 Sep 20251 min read
પશુપાલક અને એનિમલ કેચર વચ્ચે નાણાકીય વ્યવહારના સ્ક્રીનશોટ વાયરલ થતા વિવાદ


રખડતા ઢોર ડબ્બામાં નહીં પુરવા અને પાર્ટીના કર્મચારીઓ પકડવા નીકળે તો અગાઉથી જાણ કરવા પશુપાલક અને એનિમલ કેચર વચ્ચે નાણાકીય વ્યવહારના સ્ક્રીનશોટ વાયરલ થતાં ફરી એક વખત એનિમલ કેચર અને પશુપાલક વચ્ચે સાંઠગાંઠ છતી થઈ હતી.

અનેક વખત જન આક્રોશનો ભોગ બનતું તંત્ર હજુ પણ રખડતા ઢોર પકડવા મામલે ઊણું ઉતરી રહ્યું છે. જેની પાછળ અમુક અધિકારી અને કર્મચારીઓની મેલી મુરાદ પણ જવાબદાર હોય છે. તાજેતરમાં ગાય નહી પકડવા 500થી 2 હજાર ચાર્જની વસૂલાતનો ઓડિયો વાયરલ થતા કોર્પોરેશનએ ત્રણ કર્મચારીઓને બરતરફ કર્યા હતા. તે અગાઉ પણ ગાયો છોડી મૂકવા કર્મચારી અને પશુપાલક વચ્ચે સેટિંગ બહાર આવતા એક કર્મચારીને કાઢી મૂકવામાં આવ્યો હતો. ત્યારે ઢોર પાર્ટી ફરી એક વખત વિવાદમાં આવી છે. છાણી વિસ્તારમાં પશુ નહીં પકડવા પશુપાલક અને  ઢોર ડબ્બા પાર્ટીના કર્મચારી વચ્ચેની નાણાકીય લેવડદેવડના સ્ક્રીનશોટ વાયરલ થયા છે. જેમાં હાર્દિક દલવાડી નામના કર્મચારીએ એક થી બે હજાર રૂપિયા લીધા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રસ્તા પર ફરતા ઢોરને લઈ વાહન ચાલકો હોય કે પછી રસ્તા ઉપર ચાલતા લોકો તે તમામ પરેશાન છે. કારણ કે રખડતા ઢોરના કારણે અનેક વખત અકસ્માતની ઘટનાઓ ઘટી છે.