Gujarat

ડિજિટલ એરેસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ બાદ સ્કેનર સ્કેમઃ ઓનલાઇન પેમેન્ટ માટે સ્કેન કરતાં જ રૃપિયા ગાયબ

By GS TEAM
12 Jan 20262 mins read
ડિજિટલ એરેસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ બાદ સ્કેનર સ્કેમઃ ઓનલાઇન પેમેન્ટ માટે સ્કેન કરતાં જ રૃપિયા ગાયબ

વડોદરાઃ ઓનલાઇન ઠગોથી લોકો એલર્ટ થાય એટલે તરત  જ તેઓ ઠગાઇની જૂની સિસ્ટમ બદલી નાંખતા હોય છે.ડિજિટલ એરેસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટના નામે લાખોની ઠગાઇના કિસ્સા  બાદ લોકોમાં જાગૃતિ આવી રહી છે ત્યારે ઠગોએ હવે તરકીબ બદલવા માંડી છે.જે પૈકીની એક તરકીબ ક્યુઆર કોડ સાથે ચેડાં કરવાની છે.

હરણી ભીડભંજન મંદિરની બહાર ફૂલ અને અન્ય નાનીમોટી ચીજો વેચતા રાજુ માળી નામના એક સામાન્ય દુકાનદાર સાથે શનિવારે બનેલો બનાવ નાનામોટા દુકાનદારો માટે ચેતવણી રૃપ છે.યુવક ચીજવસ્તુઓ વેચી ક્યુઆર કોડ સ્કેનર પર પેમેન્ટ લેતો હતો ત્યારે બપોર પછી એકાએક સ્કેનરનું સ્પીકર બંધ થઇ ગયું હતું.

કોઇ પણ  ગ્રાહક ખરીદી કરી સ્કેનર મારફતે પેમેન્ટ કરે એટલે ગ્રાહકના ખાતામાંથી રકમ ઉપડી જતી હતી.પરંતુ સામે દુકાનદારના ખાતામાં રકમ જમા બતાવતી નહતી.જેથી વેપારીને શંકા જતાં રાતે કોઇ પરિચિતને જાણ કરી હતી.

સ્કેનરને લગતી જાણકારી ધરાવતા યુવકે સ્કેનર તપાસ્યું તો વેપારીનું સ્ટિકર જ બદલાઇ ગયું હોવાનું જણાઇ આવ્યું હતું.દિવસે ખરીદી કરવા આવેલો કોઇ ગઠિયો વેપારીની નજર ચૂકવીને ક્યુઆર કોડ સ્કેનર પર પોતાનું સ્ટિકર ચોંટાડી ગયો હતો.જેથી ગ્રાહકે ચૂકવેલી રકમ સીધી ગઠિયાના એકાઉન્ટમાં જતી હતી.

વેપારી સાથે થયેલી ઠગાઇની રકમ ૧૦૦૦-૧૨૦૦ જેટલી હતી.જેથી તેમણે પોલીસ કેસ કરવાનું ટાળ્યું હતું.પરંતુ ઠગાઇની આ પધ્ધતિ ક્યુઆર કોડ સ્કેનર ધરાવતા તમામ લોકો માટે ચેતવણી રૃપ છે.

ફેક વેબસાઇટ પર ક્યુઆર કોડ સ્કેન કરતાં જ લિન્ક ખૂલી પૈસા ટ્રાન્સફર થાય છે

ઓનલાઇન પ્રોડક્ટ ખરીદવાના નામે ઠગો પેમેન્ટ માટે QR કોડ મંગાવી ફસાવેછે

સ્કેનર મારફતે ઠગાઇ કરવા માટે બીજી પણ રીતો અપનાવવામાં આવતી હોય છે.

મળતી માહિતી મુજબ,ઓનલાઇન પ્રોડક્ટ કે કોઇ ચીજ વેચવા માગતા લોકોનો ઠગો બાયર્સ બનીને સંપર્ક કરતા હોય છે.તેઓ ચીજવસ્તુ ખરીદવા માટે કોઇ ભાવતાલ કરતા નથી અને એડવાન્સ પેમેન્ટ આપવું  હોવાનું કહી ક્યુઆર કોડ માગતા હોય છે.

વેપારી કે ચીજ વેચનાર વ્યક્તિ ક્યુઆર કોડ આપે તે સાથે જ ઠગો તેને સ્કેન કરીને બેન્ક એકાઉન્ટ ખાલી કરી દેતા હોય છે.કેટલાક કેસોમાં ક્યુઆર કોડ સ્કેન કરતાં જ ઠગો બીજી લિન્ક પર લઇ જઇ ફસાવતા હોય છે.

સ્કેનર સ્કેમ થી બચવા માટે ગ્રાહકે શું કરવું

સ્કેનર મારફતે થતા સ્કેમ થી બચવા માટે નીચે મુજબની કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૃરી હોવાનું પોલીસ કહી રહી છે.

- ક્યુઆર કોડ સ્કેન કરતાં કોઇ લિન્ક ખૂલે તો તરત જ ટ્રાન્જેક્શન રદ કરો.

- ઓનલાઇન વેચવા માટે મૂકેલી ચીજો માટે કોઇ ક્યુઆર કોડ માગે તો યુઝર્સેની ખરાઇ કરી લેવી જોઇએ.

- ક્યારેય ઓટીપી કે બેન્કની વિગત શેર ના કરવી જોઇએ.

- સાઇટ પરથી ક્યુઆર કોડ સ્કેનર એપ ડાઉનલોડ ના કરો.

- મૂળ સ્ટિકર પર પેમેન્ટ કર્યા બાદ તરત જ વેરિફિકેશન કરો.જો શંકા જાય તો બેન્ક અને સાયબર સેલને જાણ કરો.