ભરૂચ તાલુકાના બંબુસર ગામમાં સરપંચ પદના ઉમેદવારનું ચૂંટણીના બે દિવસ પહેલા જ હ્દયરોગના હુમલાથી મોત

ભરૂચ: ગ્રામ પંચાયતની ચૂંટણી તેના આખરી તબક્કામાં છે. પ્રચારના પડઘમ શાંત થાય એ પહેલા જ ભરૂચ તાલુકાના બંબુસર ગામમાં ન થવાનું થયુ છે. ગામમાં 20 વર્ષ પહેલા ચૂંટણી જંગ સર્જાયો હતો. પરંતુ ચૂંટણી માટે મતદાન થાય એ પહેલા જ સરપંચના ઉમેદવારનું હાર્ટ એટેકથી મોત નિપજ્યુ હોવાના માઠા સમાચાર મળ્યા છે.
ભરૂચ તાલુકાનું બંબુસર ગામ 1200ની વસતિ ધરાવે છે. ગામમાં છેલ્લા 20 વર્ષથી ચૂંટણી યોજાઈ નથી. ગામ લોકો ચાર ટર્મથી ઉસ્માનભાઈ ઈસપભાઈ પટેલને બિનહરીફ તરીકે ચૂંટતા હતાં. પરંતુ આ વખતની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અલગ સમીકરણો હતાં. 20 વર્ષ પછી ગામમાં ચૂંટણીનું વાતાવરણ ઉભુ થયુ હતું. સરપંચ પદના ઉમેદવાર તરીકે ઉસ્માનભાઈની સામે સઈદ સુલેમાન વલી પટેલ ઉમેદવારી નોંધાવી હતી. વિકાસશીલ પેનલમાંથી ઉમેદવારી કરનાર ઉસ્માનભાઈ આજે જુમ્માની નમાઝ અદા કરવા મસ્જીદ કરવા ગયા હતા. નમાઝ પઢતી વખતે જ તેમને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યુ હતું. ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રચાર સાંજે શાંત થવાનો હતો. પરમ દિવસ રવિવારે મતદાન થવાનું હતુ. પરંતુ એ પહેલા જ સરપંચ પદના ઉમેદવાર ઉસ્માનભાઈનું મોત થતાં ગામમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી છે.
સરપંચ પદ માટેનું મતદાન મુલતવી રહેશે- રોશની પટેલ, ગ્રામ્ય માલતદાર
ભરૂચ: મતદાનનાં બે દિવસ પહેલા જ સરપંચ પદના ઉમેદવારનું નિધન થયુ છે. આ અંગે ગ્રામ્ય મામતદાર રોશની પટેલનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતું કે, આવા સંજોગોમાં સરપંચ પદ માટેનું મતદાન નહીં થાય. અમે આ અંગે રાજ્ય ચૂંટણી આયોગને જાણ કરીશું. પાછળથી સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાશે. હાલમાં માટે સભ્ય પદ માટે મતદાન થશે. ઉલ્લેખનીય છે કે, ઉસ્માનભાઈની વિકાસશીલ પેનલના ચાર સભ્યો પહેલા જ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતાં.




