42મો સપ્તક સમારોહ 400 લોકોની મર્યાદા સાથે ઓફલાઇન યોજાશે

1થી 13 જાન્યુઆરી 2022ના રોજ કાર્યક્રમનું આયોજન થશે, જેમાં સંગીત માર્તંડ ગુરૂજનો હાજરી આપશે
અમદાવાદ : ભારતના સૌથી મોટા શાસ્ત્રીય સંગીત મહોત્સવ 'સપ્તક એન્યુઅલ મ્યુઝિક ફેસ્ટિવલ' આ વર્ષે સરકારની કોરોના ગાઇડ અનુસાર ઓફલાઇન તેમજ ઓનલાઇન યોજાવા જઇ રહ્યો છે. 42મા સપ્તક મહોત્સવનું આયોજન 1થી 13 જાન્યુઆરી 2022 દરમિયાન થશે.
આ સંગીત મહોત્સવમાં સંગીત માર્તંડ મહાનુભાવો હાજરી આપશે, જેમાં બિરજુ મહારાજ, હરિપ્રસાદ ચૌરસિયા, પં.અજય ચક્રવર્તી, પં.શિવકુમાર, અમજદ અલી ખાન, પં.વિશ્વમોહન ભટ્ટ, શુભા મુદગલજી, સુજાત ખાન, રાહુલ શર્મા જેવા કલાકારો ઉપસ્થિત રહેશે.
કોરોનાની પરિસ્થિતિને જોતા સરકાર દ્વારા બહાર પડાયેલી એસઓપી અનુસાર આ વર્ષે સપ્તક કાર્યક્રમની શરૂઆત રાત્રે 8.00 વાગે થઇ જશે અને કાર્યક્રમની પુર્ણાહૂતિ રાત્રે 11.30 પહેલા જ થશે. 400 લોકોની મર્યાદા તેમજ સોશિયલ ડિસ્ટન્સ સાથે બેઠક વ્યવસ્થા સાથે આમંત્રિત મહેમાનોની હાજરીમાં સંગીતના પ્રોગ્રામો ઓફલાઇન યોજાશે.
સંપૂર્ણ વેક્સિનેટેડ લોકો જ કાર્યક્રમમાં હાજરી આપી શકશે. તેમજ કાર્યક્રમનું લાઇવ ઓનલાઇન પ્રસારણ પણ કલારસિકો માણી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઉપરાંત 2 જાન્યુઆરી અને 9 જાન્યુઆરીએ રવિવારના રોજ સપ્તકના મોર્નિંગ સેશન પણ યોજાશે.




