Get The App

વડોદરામાં સમાના પ્લોટનો વિવાદ : સરસ્વતી વિદ્યાલયને રૂ.5 લાખનો દંડ

Updated: Feb 9th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરામાં સમાના પ્લોટનો વિવાદ : સરસ્વતી વિદ્યાલયને રૂ.5 લાખનો દંડ 1 - image

Vadodara : વડોદરાના શહેરના સમા વિસ્તારના વોર્ડ નં.2ના એફપીના પ્લોટનો ઉપયોગ વૃક્ષો ઉગાડવા માટે અનામત રખાયો હોવા છતાં પ્લોટનો ઉપયોગ ક્રિકેટ ગ્રાઉન્ડ તરીકે શરૂ કરતાં તંત્રની પાર્કસ એન્ડ ગાર્ડન શાખા દ્વારા સરસ્વતી વિદ્યાલયને વારંવાર નોટિસો સહિત 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, સમા વિસ્તારના વોર્ડ નં.2માં ફાઇનલ પ્લોટ 312ની જગ્યા પાલિકા તંત્રના પાર્કસ એન્ડ ગાર્ડન શાખા દ્વારા અનામત રાખવામાં આવ્યો હતો. આ પ્લોટમાં વૃક્ષો અને ફળફળાદી ઉગાડવા માટેનું આયોજન પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. પરંતુ વિસ્તારની સ્થાનિક શાળા સરસ્વતી સ્કૂલ દ્વારા આ પ્લોટનો ઉપયોગ ક્રિકેટ ગ્રાઉન્ડ તરીકે કરાઈ રહ્યો હોવાની ચોકાવનારી માહિતી તંત્રને મળી હતી. જેથી તંત્રના પાર્કસ એન્ડ ગાર્ડન શાખા દ્વારા શાળા તંત્રને આ અંગે વારંવાર નોટિસો બજાવવામાં આવી હતી. આમ છતાં પણ શાળા તંત્ર દ્વારા આ અંગે આવી નોટિસો ઘોળીને પી જવાઈ હતી. પરિણામે તંત્ર દ્વારા સરસ્વતી વિદ્યાલયને રૂ.5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જોકે વૃક્ષ અને ફળફળાદી વાવવા માટે અનામત રખાયેલો આ પ્લોટ છેલ્લા કેટલાય વખતથી યથાવત પડી રહ્યો હતો. 

આ અંગે સામાજિક કાર્યકર ડો. નિકુલ પટેલે જણાવ્યું હતું કે, અનામત રખાયેલા આ પ્લોટમાં તંત્ર દ્વારા હજી સુધી વૃક્ષો અને ફળફળાદી વાવવા માટેનો નિર્ણય કેમ કરવામાં આવ્યો નથી એવો સવાલ કરીને સ્થાનિકોને વેરાનું વળતર અને પર્યાવરણની કાળજી નહીં રાખનારા અધિકારીઓ સામે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવી જોઈએ તેવો તેમણે આગ્રહ રાખ્યો હતો.