Gujarat

વડોદરામાં સલમાન ખાન જેવો હિટ એન્ડ રનનો કેસ

By GS TEAM
25 Oct 20253 mins read
વડોદરામાં સલમાન ખાન જેવો હિટ એન્ડ રનનો  કેસ

દિવાળીમાં શહેરના અવધૂત ફાટક પાસે નશામાં ધુત કાર ચાલકે ફૂટપાથ ઉપર સુઈ રહેલ શ્રમજીવી પરિવાર ઉપર કાર ચડાવી દેતા ૪ વર્ષના બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બાળકના માતા- પિતા અને ફોઈને  ઈજા પહોંચી હતી. અકસ્માત સર્જીને નાસી છૂટવાનો પ્રયાસ કરનાર કારચાલકને લોકોએ ઝડપી પાડી મેથીપાક ચખાડી પોલીસના હવાલે કર્યો હતો. કારમાંથી દારૂની બોટલ મળી આવી હતી.


મૂળ દિલ્હીના અને હાલમાં વિશ્વામિત્રી માર્ગ ઉપર ફૂટપાથ પર રહેતા 22 વર્ષના જગદીશભાઈ રાજેશભાઈ મારવાડી ફૂટપાથ ઉપર રમકડા તથા મચ્છરદાનીનું વેચાણ કરી છૂટક મજૂરી કરે છે. ગઈ તા. 21 ઓક્ટોબરની રાત્રે તેઓ પરિવારના સભ્યો સાથે ફૂટપાથ પર ઊંઘી રહ્યા હતા. રાત્રે 11:45 કલાકે એક કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ફૂટપાથ ઉપર ચડાવી દીધી હતી. આ અકસ્માતમાં જગદીશભાઈના ૪ વર્ષના પુત્ર નીતિનના માથાના ભાગે કારનું પૈડું ફરી વળતાં મોતને ભેટ્યો હતો. જ્યારે જગદીશભાઈ, તેમની પત્ની સોનિયાબેન, બહેન આશાબેનને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડાયા હતા. ફરિયાદના આધારે પોલીસે કાર ચાલક નિતીન  ઝા વિરુદ્ધ બીએનએસ કલમ 105, 281, 125 (એ), 125 (બી), મોટર વ્હીકલ એક્ટ તથા પ્રોહિબિશનની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસે નિતીનનું કોર્ટમાં માત્ર પ્રોડક્શન રજૂ કરતા કોર્ટે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવા હુકમ કર્યો હતો.


અકસ્માત સર્જી ફરાર થતા કારચાલકને લોકોએ મેથીપાક ચખાડી કારની તોડફોડ કરી

કાર ચાલકે અકસ્માત સર્જી કાર દોડાવી મૂકી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, લોકોએ પીછો કરી અક્ષરચોકથી નશાની હાલતમાં કારચાલક નિતીન કિશનભાઇ ઝા (રહે - કબીર કોમ્પ્લેક્સ ,ડોન બોસ્કોની સામે, મકરપુરા) ને ઝડપી પાડ્યો હતો. કારમાંથી દારૂની બોટલ મળી આવી હતી. રોષે ભરાયેલા ટોળાએ કારને ઉથલાવી દઈ  કારચાલકને મેથીપાક ચખાડી પોલીસના હવાલે કર્યો હતો. 


આરોપી સામે અગાઉ પણ ડ્રિંક એન્ડ ડ્રાઇવનો ગુનો નોંધાયો હતો,  ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરાશે

તપાસ કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર ચેતનસિંહજી રાઠોડનું કહેવું હતું કે, નિતીને અકોટા વિસ્તારમાં કપડાની દુકાન શરૂ કરી છે, નશામાં તેણે કહ્યું હતું કે, લક્ષ્મીનારાયણ ગ્રાઉન્ડમાં તેણે મિત્ર સાથે દારૂ પીધો હતો. પરંતુ ત્યાં આવી કોઈ પ્રવૃત્તિ જણાઈ આવી નથી. નિતીન અકોટા વિસ્તારમાં કારમાં ફરી રહ્યો હતો. તે વખતે કારમાં જ નશો કર્યો હોવાનું જણાય છે. અને તે ઘરે જતો હતો તે વખતે અકસ્માત સર્જાયો હતો. નિતીન સામે વર્ષ 2017માં ગોત્રી પોલીસ મથકે ડ્રીંક એન્ડ ડ્રાઈવનો કેસ નોંધાયો હતો. તથા વર્ષ 2020 માં માંજલપુર પોલીસ મથકે સટ્ટાબેટિંગના ગુનામાં ઝડપાયો હતો. હાલ નીતિનનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા પોલીસે હાથ ધરી છે.


તપાસમાં ભીનું સંકેલાયુ હોવાના આક્ષેપ સાથે મૃતકના સંબંધીની પો. કમિશનરને રજૂઆત

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ સયાજી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ઈજાગ્રસ્તોની મુલાકાત લઇ પરિવારને સાંત્વના આપી હતી. તેમજ મૃતકના સંબંધીએ પોલીસ કમિશનરને લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે, શહેરમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ અને હેરાફેરી થઈ રહી છે. જેથી વિશેષ ઇન્ટર ડિવિઝનલ તપાસ થવી જોઈએ, આ કેસમાં દારૂ ક્યાં પીધો અને અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં રિમાન્ડની માંગણી કરી નથી, હત્યાની કલમનો ઉમેરો કરી કડક અને પારદર્શક તપાસ થવી જોઈએ.