Get The App

નરસંડા રોડ પર કારમાં સવાર સાધુઓ રૂ. 1.15 લાખના દાગીના લૂંટીને ફરાર

Updated: Feb 18th, 2026

GS TEAM

Google News
Google News
નરસંડા રોડ પર કારમાં સવાર સાધુઓ રૂ. 1.15 લાખના દાગીના લૂંટીને ફરાર 1 - image

- ધારાસભ્યનું ઘર અને સંતરામ ડેરીનું સરનામું પૂછી

- સાધુના વેશમાં આવેલા શખ્સોએ વિશ્વાસ જીતવા પહેલા કિંમતી વસ્તુઓ માંગીને પરત કરી, વડતાલ પોલીસે તપાસ હાથ ધરી

નડીયાદ : નડિયાદ તાલુકાના નરસંડા રોડ પર એક સફેદ કલરની કારમાં આવેલા નકલી સાધુઓએ રસ્તો પૂછવાના બહાને બે મિત્રોને વિશ્વાસમાં લઈ આશીર્વાદ આપી તાંત્રિક વિધિનો ડોળ કરી રૂ.૧.૧૫ લાખની કિંમતના સોનાના દાગીનાની કાઢી લઇ લૂંટ ચલાવી ગાડી લઈ ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે વડતાલ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

નડિયાદ તાલુકાના અલ્કાપુરી સોસાયટી, કણજરીમાં રહેતા વિજયકુમાર છોટાભાઈ પટેલ ગત તા. ૧૫ ફેબુ્રઆરીના રોજ ગામમાં આવેલી ખોળની દુકાને બેઠા હતા. ત્યારે તેમના મિત્રો સાથે એક્ટિવા લઈને રાજેશભાઈ મંગળભાઈ પટેલ સાથે શાંતિલાલ મુળજીભાઈ પટેલના ખેતરમાં ગયા હતા. જ્યાં બીજા મિત્રો પર બેઠાં હતા. જ્યાં મહાશિવરાત્રી હોવાથી ખેતરમાં ઊંધિયા પાર્ટી રાખી હતી. આ ઉંધીયુ બનાવવા માટે સેવ અને તલનું તેલ લેવા વિજયભાઈ પટેલ અને રાજેશભાઈ પટેલ એક્ટિવા લઈ વડતાલ નરસંડા રોડ પર આર્યા માર્ટ તરફ જઈ રહ્યાં હતા. ત્યારે આગળ જતી એક સફેદ રંગની કારના ચાલકે ગાડી ધીમી પાડી એક્ટિવા ઉભુ રખાવી ગાડીમાં બેઠેલા શખ્સોએ નડિયાદના ધારાસભ્યનું ઘર અને સંતરામ ડેરીનું સરનામું પૂછયું હતું. આ ગાડીમાં ડ્રાઇવરની બાજુમાં બેઠેલા સાધુના વેશધારી શખ્સોએ રાજેશભાઈને આશીર્વાદ આપવાના બહાને બોલાવ્યા હતા. ત્યારબાદ વિજયભાઈને પણ પાસે બોલાવી તેમણે પહેરેલ શર્ટ, ઘડિયાળ અને મોબાઈલ માંગ્યા હતા, જેથી બંનેએ સાધુઓને કાઢીને આપતા તેઓએ પરત કરી દીધા હતા. 

બાદમાં સાધુઓએ બંને મિત્રોને આંકડાના છોડ પરથી પાન તોડી લાવવા કહ્યું હતું. જ્યારે તેઓ પાન લઈને આવ્યા ત્યારે તે પાન તેમની પાસેની ડબીમાં ડબોરી તેમના માથાથી નાક સુધી ફેરવ્યા હતા. આ પાન ફેરવતા જ બંનેને આંખે અંધારા આવવા લાગ્યા હતા. આ તકનો લાભ લઈ સાધુઓએ વિજયભાઈના હાથમાંથી સોનાની વીંટી અને ગળામાં પહેરેલી શ્રીનાથજીના પેન્ડલવાળી સોનાની ચેઈન કુલ કિંમત આશરે રૂ.૧,૧૫,૦૦૦ ઉતારી લીધી હતી અને બંનેને આંકડાના પાન પાછા મૂકી આવવાનું જણાવતા વિજયભાઈ પટેલ અને રાજેશભાઈ પટેલ આંકડાના પાન મુકવા ગયા હતા. ત્યારે આ ગાડીમાં આવેલા સાધુના વેશમાં આવેલા ગઠિયા ગાડી લઈ નરસંડા ચોકડી બ્રિજ તરફ કોઈ ઝડપે હંકારી નાસી ગયા હતા. આમ બંને મિત્રોને વિશ્વાસમાં લઈ વશીકરણ કરી સોનાની વીંટી તેમજ સોનાની ચેનની લૂંટ કરી સાધુના વેશમાં આવેલા શખ્સો ગાડી લઇ નાસી ગયા હતા. આ બનાવ અંગે વિજયભાઈ છોટાભાઈ પટેલની ફરિયાદ આધારે વડતાલ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.