Get The App

પ્રેમીકાની હત્યા કરનારા સચિન દીક્ષિતને આજીવન કેદની સજા

લાશ ટ્રોલીબેગમાં ભરી વોશ બેસિન નીચે સંતાડી હતી

Updated: May 11th, 2026

GS TEAM

Google News
Google News
પ્રેમીકાની હત્યા કરનારા સચિન દીક્ષિતને આજીવન કેદની સજા 1 - image

વડોદરા : વડોદરામાં પ્રમીકાની હત્યા કર્યા બાદ પુત્રને ગાંધીનગરમાં બિનવારસી છોડી ફરાર થઇ જવાના ચકચારી બનાવમાં સંડોવાયેલા આરોપીને અદાલતે કસુરવાર ઠેરવી આજીવન કેદની સજા તેમજ રૃા.૧૫ હજારનો દંડ ફટકાર્યો હતો. ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે,આરોપીએ ઇરાદાપૂર્વક માસૂમ બાળકની માતાની હત્યા કરી છે, જે અમાનવીય કૃત્ય છે.

કેસની વિગત એવી છે કે, આરોપી સચિન અને મૃતક મહેંદી ઉર્ફે હીના વચ્ચે પ્રેમ સંબંધ હતો અને તેઓને એક પુત્ર પણ હતો. તા.૮ ઓક્ટોબર ૨૦૨૧ના રોજ  દર્શનમ ઓએસીસ ફ્લેટમાં આરોપી સચિનને ગાંધીનગર જવા બાબતે મહેંદી સાથે ઝઘડો થયો હતો. આવેશમાં આવીને સચિને મહેંદીનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી અને તેની લાશને ટ્રોલી બેગમાં ભરી રસોડાના વોશ બેસિન નીચેના કબાટમાં સંતાડી દીધી હતી. 

બનાવ બાદ આરોપી પોતાના માસૂમ પુત્રને લઈને ગાંધીનગર ભાગી ગયો હતો અને બાળકને પેથાપુરની ગૌશાળા પાસે બિનવારસી હાલતમાં છોડી દીધો હતો. ગાંધીનગર પોલીસે જ્યારે બાળકની તપાસ શરૃ કરી અને સીસીટીવી ફૂટેજમાં આરોપીની સેન્ટ્રો કારના નંબરના આધારે તપાસ કરી ત્યારે સમગ્ર હત્યાકાંડનો પર્દાફાશ થયો હતો. આ બનાવ અંગે બાપોદ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. 

આ કેસ અદાલતમાં ચાલી જતા સરકારી વકીલ આર.એમ.જ્ઞાાનચંદાનીએ દલીલ કરી હતી કે, આ એક અત્યંત ગંભીર ગુનો છે. ફરીયાદ પક્ષે કુલ ૬૧ મૌખિક સાક્ષીઓ તપાસ્યા હતા અને ૮૫ જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા જેમાં, સોસાયટીના સીસીટીવી ફૂટેજ, એક્સપ્રેસ વેના ટોલ ટેક્સના રેકોર્ડસ, એફએસએલ રિપોર્ટ અને ડોક્ટરોનો પીએમ રિપોર્ટ અત્યંત મહત્વના સાબિત થયા હતા. સીસીટીવીમાં આરોપી બાળક સાથે ગાડીમાં જતો સ્પષ્ટ દેખાયો હતો.

સરકારી વકીલે વધુમાં દલીલ કરી હતી કે આરોપીએ પૂર્વઆયોજિત કાવતરાના ભાગરૃપે હત્યા કરી છે અને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો છે. ન્યાયાધીશે તમામ પુરાવાઓ તપાસ્યા બાદ ચૂકાદામાં નોંધ્યં હતું કે, આરોપી સિવાય ઘરમાં અન્ય કોઈ વ્યક્તિ હાજર નહોતી અને ગળે ટૂંપો આપવાના કારણે જ મોત નિપજ્યું છે તે મેડિકલ પુરાવાથી સાબિત થાય છે. ન્યાયાધીશે આરોપી સચિન નંદકિશોર દીક્ષિતને આજીવન કેદની સજા ફટકારી હતી.

માતાની હત્યા અને પિતા જેલમાં જતા પુત્રને વળતર ચૂકવવા આદેશ

અદાલતે આ ચુકાદામાં મૃતક મહેંદીના સગીર પુત્રના હિતને સર્વોપરી ગણ્યું છે. કોર્ટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને નિર્દેશ આપ્યો છે કે ભોગ બનનાર વળતર યોજના હેઠળ બાળકને યોગ્ય વળતર ચૂકવવામાં આવે. આ ઉપરાંત, કોર્ટે હુકમ કર્યો છે કે, પોલીસ કબજે કરેલા સોના-ચાંદીના દાગીના અને કિંમતી મુદ્દામાલ બાળક જ્યારેપુખ્ત વયનો થાય ત્યારે તેને સોંપવામાં આવે. જો ત્યાં સુધી કોઈ કલેઈમ ન થાય તો આ મિલકત શિવાંશની ગણાશે. કોર્ટે માનવતાના ધોરણે આદેશ આપ્યો છે કે માતા ગુમાવનાર અને પિતા જેલમાં હોવાથી નિરાધાર બનેલા આ બાળકનું ભવિષ્ય આર્થિક રીતે સુરક્ષિત રહે તે જોવાની જવાબદારી તંત્રની છે. અદાલતે બાળકને હાલ ક્યાં રાખવામાં આવ્યું છે તે બાબત રેકોર્ડ પર ન હોઇ પોલીસની મદદથી તેને શોધી વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો.