Get The App

વટવામાં ટ્રકની ટક્કરથી વૃદ્ધાનું, બાપુનગરમાં રિક્ષાની ટક્કરથી મહિલાનું મોત

હિટ એન્ડ રન ઃ બે મહિલાને મોતને ઘાટ ઉતારી વાહન ચાલક ભાગી ગયા

ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Updated: Mar 19th, 2026

GS TEAM

Google News
Google News
વટવામાં ટ્રકની ટક્કરથી વૃદ્ધાનું, બાપુનગરમાં રિક્ષાની ટક્કરથી મહિલાનું મોત 1 - image

અમદાવાદ, ગુરુવાર

પૂર્વમાં હિટ એન્ડ રનના બનાવમાં બે મહિલા મોતને ભેટી હતી. જેમાં વટવા જીઆઇડીસી પાસે બાઇકનું બેલેન્સ ગુમાવતા વૃદ્ધ દંપતિ રોડ પર પટકાયું હતું.  આ સમયે પૂરઝડપે આવી રહેલી આઇસર ટ્રક ચાલકે વૃદ્ધાને ટક્કર મારી હતી ટાયર નીચે ઢસડાતા ગંભીર ઇજાઓ થતા સારવાર દરમિયાન મોત થયું હતું અને બાપુનગર ચાર રસ્તા પાસે શાકભાજી લેવા ચાલતી જતી મહિલાને રિક્ષા ચાલકે અડફેટે લેતા સારવાર દરમિયાન મોત થયું હતુ. બન્ને બનાવમાં અક્સમાત કરીને વાહન ચાલક નાસી ગયા હતા. આ બનાવમાં ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

વટવામાં વૃદ્ધાને ટક્કર મારતાં માથા સહિત શરીરે ઇજા થતાં અર્ધ બેભાન હાલતમાં મોત,બાપુનગરમાં શાક લઇને જતી મહિલાનું રિક્ષાની ટક્કરથી મૃત્યું 

બાપુનગરમાં  રહેતા વૃદ્ધે ટ્રાફિક જે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આઇસર ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૧૨-૦૩-૨૦૨૬ના રોજ તેઓ હાથીજણ ભાઇના ઘરેથી પત્નીને બાઇક ઉપર બેસાડીને ઘરે જતા હતા. ત્યારે વટવા જીઆઇડીસીથી હાથીજણ રોડ ઉપર પૂરઝડપે આવી રહેલી આઇસર ટ્રક તેમની જમણી બાજુથી ઓવરટેક કરતો હતો. જ્યાં બાઇક અને ટ્રકની વચ્ચેથી એક બાઇક ચાલક ઝડપથી નીકળવા જતા વૃદ્ધ ગભરાઇ જતા બાઇકનું બેલેન્સ ગુમાવતા દંપતિ રોડ પર પટકાયું હતું દરમિયાન પાછળ આવતી ટ્રકની નીચે તેમના પત્ની આવી જતા ઢસડાતા તેમને ગંભીર ઇજાઓ થઇ હતી. અકસ્માત બાદ ટ્રક ચાલક નાસી ગયો હતો સાત દિવસની સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત થયું હતું.

બીજા બનાવમાં બાપુનગરમાં રહેતી મહિલા તા.૧૨ માર્ચેના રોજ રાતના સમયે બાપુનગર ચાર રસ્તાથી શાકભાજી લઇને ઘરે જતા હતા ત્યારે સંસ્કાર આઇસ્ક્રીમની દુકાન પાસે પસાર થતા હતા તે સમયે પૂરઝડપે આવી રહેલી રિક્ષા ચાલકે ટક્કર મારતા ગંભીર ઇજાઓ પહોચી હતી.  ઇજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક એચ ડિવિઝન  પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધઆરે તપાસ શરુ કરી છે.