Gujarat

બે વિદ્યાર્થીને પટ્ટાથી માર્યા, ચાકુથી હુમલામાં એક સગીર ગંભીર

By GS TEAM
25 Feb 20262 mins read
બે વિદ્યાર્થીને પટ્ટાથી માર્યા, ચાકુથી હુમલામાં એક સગીર ગંભીર

અમદાવાદ, બુધવાર

 પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બનીને નિદોષ લોકો ઉપર હુમલા કરી રહ્યા છે, બાપુનગરમાં બે સગીર ટયુશનથી ઘરે જતા હતા. વાહનમાં પેટ્રોલ ખૂટી પડતા ધક્કો મારીને પેટ્રોલ પંપ ઉપર જતા હતા આ સમયે રસ્તા વચ્ચે ઉભેલા શખ્સોને હટવા માટે હોર્ન મારીને હટવાનું કહેતા ઉશ્કેરાઇને બે સગીરને પટ્ટાથી માર્યા હતા ભાગવા જતાં પીછો કરીને એક સગીરને ચાકુના ઘા મારીને લોહી લુહાણ કર્યો હતો. આ બનાવ અંગે શહેરકોટડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બાપુનગરમાં રસ્તામાંથી હટવાનું કહેતા હોર્ન કેમ મારે છે કહી લાફા પટ્ટાથી માર્યા, ભાગવા જતા પીછો કરી છરીથી હુમલો કરતાં એક સગીર લોહી લુહાણ હાલતમાં સારવાર હેઠળ

બાપુનગરમાં  રહેતા યુવકે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં બાપુનગરમાં રહેતા ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે તેમનો ૧૭ વર્ષનો પુત્ર અને તેનો મિત્ર ગઇકાલે સાંજે બાપુનગર ખાતે ટયુશન કલાસીસમાં ગયા હતા. રાતે ઘરે આવતા હતા ત્યારે વાહનમાં  પેટ્રોલ ખતમ થતાં ધક્કા મારીને પેટ્રોલ પંપ ઉપર જતા હતા.

જ્યાં બાપુનગરમાં ડિ માર્ટ પાછળથી પસાર થતા હતા ત્યાં રસ્તામાં આરોપીઓ ઉભા હતા જેથી હોર્ન માર્યા બાદ બાજુમાં ખસવાનું કહેતા આરોપીઓ ગાળો બોલાવા લાગ્યા હતા. જેથી સગીરો કેમ ગાળો બોલો છો કહેતા ફરિયાદીના પુત્રને લાફો મારતાં મિત્ર છોડાવવા વચ્ચે પડતાં આરોપીઓએ બન્ને સગીરને પટ્ટાથી મારતાં બચીને ભાગવા જતાં એક શખ્સે ફરિયાદીને દિકરા ઉપર ચાકુથી હુમલો કરીને લોહી લુહાણ કર્યો હતો.