Gujarat

ભાવનગરમાં છેલ્લા 5 માસમાં સાયબર ફ્રોડના ગુનામાં રૂ. 72.47 લાખની રિકવરી

By GS Team
14 Aug 20252 mins read
This article was originally published on 14 Aug 2025
ભાવનગરમાં છેલ્લા 5 માસમાં સાયબર ફ્રોડના ગુનામાં રૂ. 72.47 લાખની રિકવરી

- જનજાગૃતિના અનેક પ્રયાસ છતાં સાયબર ફ્રોડનો સરળતાથી લોકો શિકાર બને છે

- માર્ચથી જુલાઈ સુધીમાં કુલ ૨૫ અરજીમાં થયેલી છેતરપિંડીની રકમની રિકવરી કરવામાં આવી

ભાવનગર : ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા પાંચ માસ દરમિયાન સાયબર ફ્રોડના કુલ ૨૫ જેટલી અરજીમાં થયેલી છેતરપિંડીની કુલ રૂ.૭૨.૪૭ લાખની રિકવરી ભાવનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી છે. જનજાગૃતિના અનેક પ્રયાસો છતાં લોકો સરળતાથી સાયબર ફ્રોડનો શિકાર બની જાય છે તે ગંભીર બાબત છે.

ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા પાંચ માસ દરમિયાન સાયબર ફ્રોડના કુલ ૨૫ જેટલી અરજીઓ ભાવનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનને મળી છે. જે ગુના અને અરજીના અનુસંધાને પોલીસે તપાસ કરી જુદાં-જુદાં બનાવોમાં થયેલી છેતરપિંડીની કુલ રકમ રૂ.૭૨,૪૭,૮૨૩ રિકવર કરી છે. ભાવનગરમાં ડિઝિટલ અરેસ્ટ, ઓનલાઈન ફ્રોડ, સ્ટોક માર્કેટ ફ્રોડ, ઈ-ચલણ ફ્રોડ, આર્મીમેનના નામે છેતરપિંડી આચર્યાંના બનાવો બની ચુક્યા છે. જેમાં નાગરિકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી સાયબર ઠગો દ્વારા આચરવામાં આવી છે. ભાવનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા સાયબર અવેરનેસ માટે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, ઔદ્યગિક એકમો, રહેણાંકી સોસાયટી અને ગ્રામ્ય સ્તરે છેલ્લા સાત માસમાં જુદાં-જુદાં ૬૮ જેટલા સાયબર ક્રાઈમ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કુલ ૧૧,૨૫૫ લોકો જોડાયા હતા. લોકજાગૃતિના અનેક પ્રયાસો છતાં લોકો સરળતાથી સાયબર ફ્રોડનો શિકાર બની રહ્યાં છે તે ગંભીર બાબત છે.

થોડી સતર્કતા દાખવવાથી ફ્રોડથી બચી શકાય છે : સાયબર ક્રાઈમ પીઆઈ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોભામણી સ્કિમો બતાવતા મેસેજની લીંક પર ક્લિક કરવું નહી. તેમજ વીડિયો કોલમાં પોલીસના નામે કોઈ ડરાવતું હોય તો તુરંત સાયબર ક્રાઈમ પોલીસને સંપર્ક કરવો. થોડી સતર્કતા દાખવવામાં આવે તો સાયબર ફ્રોડથી બચી શકાય છે તેમ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઈ એન.એમ.તલાટીએ જણાવ્યું હતું.

સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા રિકવર કરેલી રકમ

માસ

રકમ રૂ.

માર્ચ

૧૨,૯૨,૯૯૧

એપ્રીલ

૨૫,૨૨,૨૪૨

મે

૧૩,૫૮,૨૦૨

જુન

,૮૮,૧૩૫

જુલાઈ

૧૦,૮૬,૨૫૩

કુલ

૭૨,૪૭,૮૨૩