Gujarat

રાજકોટ સહિત 6 જિલ્લામાં 1.25 લાખ ખેડૂતોના ખાતામાં રૂા. 400 કરોડ જમા

By GS TEAM
3 Dec 20252 mins read
રાજકોટ સહિત 6 જિલ્લામાં 1.25 લાખ ખેડૂતોના ખાતામાં રૂા. 400 કરોડ જમા

માવઠાંની સહાય માટે અરજી કરવાનો કાલે છેલ્લો દિવસ સૌથી વધુ સુરેન્દ્રનગરમાં 35,000 ખેડૂતોને રૂા. 128 કરોડ : બીજા નંબરે રાજકોટ જિલ્લાના 36,000 ખેડૂતોને રૂા. 117 કરોડનું ચૂકવણું

રાજકોટ, : સૌરાષ્ટ્રમાં દિવાળી બાદ થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોએ ખેતીમાં પારાવાર નુકસાની વેઠવી પડી હતી. જે અન્વયે સરકાર દ્વારા તાત્કાલિક સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના અંદાજ બાદ સરકારે રૂ.10,000  કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું. જો કે, એ અપૂરતું હોવાનો આક્રોશ ફેલાયો હતો, જેને ગણકાર્યા વગર ખેડૂતોની અરજી સ્વીકારવાનું ચાલુ કરવામાં આવ્યું અને હમણાં સમયમર્યાદા લંબાવીને તા. 5 ડિસેમ્બર કરવામાં આવી છે. આ દરમિયાન રાજકોટ સહિત ૬ જિલ્લામાં અત્યાર સુધીમાં 1.25લાખ ખેડૂતોના ખાતામાં રૂા. 400 કરોડની સહાય જમા પણ કરી દેવામાં આવી છે.

ખેતીવાડી ખાતાના જણાવ્યા મુજબ ખરીફ વાવેતરમાં કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાન માટે સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ખેડૂત દીઠ 2 હેક્ટર મર્યાદામાં રૂા. 22,000 પ્રતિ હેક્ટર વળતર મળવાપાત્ર થાય છે.  રાજકોટ વિભાગ હેઠળના 6 જિલ્લાઓમાં 30 નવેમ્બર સુધીમાં કુલ રૂા. 400કરોડની સહાય સવા લાખથી પણ વધુ ખેડૂતોના ખાતામાં જમા કરાવવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. 

રાજકોટ વિભાગ હેઠળ રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા, સુરેન્દ્રનગર, કચ્છ સહિતના જિલ્લાનો સમાવેશ થાય છે. જે પૈકી સુરેન્દ્રનગરમાં અંદાજે ૩૫ હજાર ખેડૂતોને રૂા. 128 કરોડથી પણ વધુ સહાય ચૂકવાઈ છે. જ્યારે રાજકોટ જિલ્લાના 36,000થી પણ વધુ ખેડૂતોને રૂા. 117 કરોડ રૂપિયાથી પણ વધુ સહાયની રકમ ચૂકવવામાં આવી છે. આ સાથે એક બાજુ ખેડૂતોને અરજી કરવાની પ્રક્રિયા ચાલુ છે અને બીજી બાજુ ખેડૂતોનાં ખાતામાં પૈસા જમા થવા લાગ્યા છે. પરંતુ અરજી પ્રક્રિયા હજુ ધીમી હોવાનો ખેડૂતોમાં કચવાટ યથાવત છે અને 15 દિવસની વધારે મુદત આપવા માંગણી કરી રહ્યા છે.