દાહોદમાં આંગડિયા પેઢીના કર્મચારીને આંતરી રોકડની સનસનાટીભરી લૂંટ

દાહોદ તા.૨૬ દાહોદ શહેરમાં એપીએમસી માર્કેટ વિસ્તારમાં વેરહાઇસ નજીક આજે ભર બપોરે આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી સવા કરોડથી વધુ રોકડ ભરેલ થેલાની ફિલ્મી ઢબે લૂંટ કરી બે બાઇક પર આવેલા અડધો ડઝન જેટલા લૂંટારૃઓ ફરાર થઇ જતા જિલ્લા પોલીસ દોડતી થઇ ગઇ છે. પોલીસે નાકાબંધી કરી લૂંટારૃઓને ઝબ્બે કરવા કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાથમિક માહિતી મુજબ દાહોદના ગૌશાળા પડાવ ચોકી ખાતે આવેલી પટેલ બાબુલાલ કાંતિલાલ નામની આંગડિયા પેઢીનો કર્મચારી રોકડ રકમ ભરેલો થેલો લઇને ઓફિસમાં જતો હતો ત્યારે નંબર પ્લેટ વગરની બે બાઇક પર આવેલા છ લૂંટારૃઓ કર્મચારી પાસેનો થેલો આંચકી પળવારમાં ફરાર થઇ ગયા હતાં.
લૂંટની ઘટનાની જાણ થતાં ડીવાયએસપી, એલસીબી અને એસઓજીની ટીમોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લૂંટારૃઓ સુધી પહોંચવા માટે તપાસ શરૃ કરવામાં આવી છે. લૂંટ કરીને ફરાર થતા શખ્સોની હરકતો નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ અને શોધખોળની કાર્યવાહી તેજ કરી છે.
પ્રાથમિક તપાસમાં કર્મચારી પાસે રૃા.૧.૪૧ કરોડની રોકડ હતી પરંતુ હજી સુધી ચોક્કસ કેટલી રકમની લૂંટ થઇ તે અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ નથી. ધોળા દિવસે શહેરના વ્યસ્ત વિસ્તારમાં બનેલી આ ઘટના બાદ વેપારીઓ અને સ્થાનિકોમાં સુરક્ષાને લઈને ચિંતા ફેલાઇ હતી. પોલીસે લૂંટનો ભોગ બનેલા આંગડિયા પેઢીના કર્મચારીની પૂછપરછ હાથ ધરી છે અને મોડી સાંજે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઇ છે.








