Gujarat

વઢવાણથી મૂળચંદ અને રાજપર જતો માર્ગ રિસર્ફેસ નહીં કરતા ખખડધડ

By GS TEAM
3 Mar 20261 min read
વઢવાણથી મૂળચંદ અને રાજપર જતો માર્ગ રિસર્ફેસ નહીં કરતા ખખડધડ

મનપાએ ડ્રેનેજ લાઈન માટે ખોદકામ કર્યા બાદ

રોડ પર સ્ટ્રીટ લાઈટના અભાવે અકસ્માતો વધ્યા ઃ ટેક્સ ભરવા છતાં પ્રાથમિક સુવિધાઓ માટે ટળવળતી જનતા

સુરેન્દ્રનગરવઢવાણથી મૂળચંદ અને રાજપર તરફ જતા બંને મુખ્ય માર્ગો અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયા છે. મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારોમાં ડ્રેનેજની પાઈપલાઈન નાખવા માટે મોટાપાયે ખોદકામ કરવામાં આવ્યું હતું, પરંતુ કામગીરી પૂર્ણ થયા બાદ તેનું યોગ્ય પુરાણ કે નવીનીકરણ ન કરવામાં આવતા સ્થાનિકોની હાલાકી વધી છે.

મૂળચંદ રોડ પર આવેલી ૨૦થી વધુ સોસાયટીઓ અને રાજપર રોડના રહીશો હાલ ધૂળ અને ખાડાઓથી ત્રાહિમામ પોકારી ગયા છે. ખોદકામને કારણે માર્ગ સિંગલ પટ્ટી બની ગયો છે અને મોટા ખાડાઓને લીધે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. પરિસ્થિતિ ત્યારે વધુ ગંભીર બને છે જ્યારે રાત્રિના સમયે આ માર્ગો પર સ્ટ્રીટ લાઈટની કોઈ વ્યવસ્થા હોતી નથી, જેના કારણે વાહનચાલકોએ ભયના ઓથાર હેઠળ પસાર થવું પડે છે.

સ્થાનિકોનો આક્ષેપ છે કે તેઓ નિયમિત ટેક્સ ભરે છે, તેમ છતાં પીવાનું પાણી, ગટર અને રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ માટે વલખાં મારવા પડે છે. હાલમાં જનતા દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે કે તંત્ર જાગે અને અધૂરા મૂકેલા ખોદકામનું તાત્કાલિક પુરાણ કરી માર્ગોનું નવીનીકરણ હાથ ધરે, જેથી અકસ્માતો અટકે અને જનજીવન સામાન્ય બને.