Gujarat

દર્દીની સારવાર દરમિયાન RMP ડીગ્રી દર્શાવવાના નિયમની ઐસીતૈસી

By GS Team
25 Dec 20242 mins read
This article was originally published on 25 Dec 2024
દર્દીની સારવાર દરમિયાન RMP ડીગ્રી દર્શાવવાના નિયમની ઐસીતૈસી

અમદાવાદ,બુધવાર

ગુજરાતમાં હાલ અનેક સ્થળોએ બની બેઠેલા બોગસ તબીબોને કારણે અનેક લોકોના જીવ જોખમમાં મુકાઇ છે. ત્યારે રજીસ્ટર્ડ ંમેડીકલ પ્રેક્ટીશનર એટલે કે આરએમપીની ડીગ્રી ધરાવતા એક તબીબ દ્વારા મેડીકલ કાઉન્સીલના નિયમોનો ભંગ કરીને બેરોકટોક રીતે પ્રેક્ટીશ કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. જેમાં નિયમ છે કે  આ પ્રકારના તબીબોેએ સારવારના સ્થળે તેમના આરએમપી હોવાનું સર્ટિફિકેટ દેખાઇ તેમ રાખવાનું રહે છે અને તેમજ તેમના નામ આગળ ડૉક્ટર લખી ન શકે. પરંતુ, એક વ્યક્તિ દ્વારા  છેલ્લાં  ઘણા વર્ષોથી પાલડીમાં અને રિલીફ રોડ પર નિયમોનો ભંગ કરીને ક્લીનીક ચલાવવામાં આવી રહ્યું છે. આ અંગે આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી છે.

ગુજરાતમા નાના ગામડાઓમાં બોગસ તબીબોનો રાફડો ફાટયો છે અને અનેક પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવે છે. પરંતું,તેમ છતાંય, એક પછી એક કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે આરએમપીની ડીગ્રીના આધારે પ્રેક્ટીશ કરતા કેટલાક તબીબોની ગેરરીતિ પણ સામે આવી છે. જેમાં શહેરમા પાલડી વિસ્તારમાં રહેતા એક આરએમપીની ડીગ્રી ધરાવતા તબીબ દ્વારા નિયમોનો ભંગ કરીને ગેરકાયદેસર રીતે પ્રેક્ટીશ કરવામાં આવતી હોવાની વાત સામે આવી છે.

પાલડીમાં આવેલા તેમના ઘરે તેમજ રિલીફ રોડ પર પ્રેક્ટીશ કરતા આ તબીબ અંગે આરોગ્ય વિભાગને ફરિયાદ મળતા તપાસ શરૂ કરવામાં આવી છે. સુત્રોના જણાવ્યા મુજબ નિયમ છે કે રજીસ્ટ્રર્ડ મેડીકલ પ્રેક્ટીશનર જ્યારે કોઇ દર્દીની સારવાર કરે ત્યારે તેને આરએમપીનુ સર્ટીફિકેટ દદીને દેખાઇ તેમ રાખવુ પડે છે. એટલું જ નહી તે તેના નામ આગળ ડૉક્ટર પણ ન લખાવી શકે. પરંતુ, ડૉક્ટર તરીકે  ઓળખ આપે છે.   

આરએમપીની ડીગ્રીમાં મેડીકલ કેમ્પ યોજીને નિયમોનો ભંગ

રજીસ્ટ્રર્ડ મેડીકલ પ્રેક્ટીશનર તરીકે પ્રેક્ટીશ કરતા તબીબ કોઇ મેડીકલ કેમ્પ ન યોજી શકે. પરંતુ, પાલડીમાં રહેતા આ તબીબે મેડીકલ કેમ્પનુ આયોજન કર્યું હતું. આ માટે તેણે તેના જાણીતા લોકોને સોશિયલ મિડીયાથી પોસ્ટ મુકીને દર્દીઓને બોલાવ્યા હતા.

ભાજપ સાથે કનેક્શન હોવાથી કોઇ તપાસ નથી થતી

સામાન્ય રીતે આરોગ્ય વિભાગ નિયમોનો ભંગ કરતા બની બેઠેલા તબીબો સામે કાર્યવાહી કરે છે. પરંતુ, આ પાલડીમાં રહેતા આરએમપીની ડીગ્રી ધરાવતા તબીબ અને તેમના પત્ની ભાજપના સક્રિય સભ્યો ઉપરાંત, મોટા નેતાઓ સાથે ઘરોબો ધરાવતા હોવાથી નિયમો વિરૂદ્ધની પેક્ટીશ બેરોકટોક રીતે ચાલે છે.