Gujarat

ઈડરમાં સહકારી જીનના મુદ્દે ધરણામાં હંગામો, મારામારી

By GS Team
26 Jan 20223 mins read
This article was originally published on 26 Jan 2022
ઈડરમાં સહકારી જીનના મુદ્દે ધરણામાં હંગામો, મારામારી

ઈડર, તા. 25

ઈડરમાં મંગળવારે કિસાન સંઘ તથા જીન બચાવો સમિતિએ આપેલા ધરણાનો કાર્યક્રમ હિંસક બન્યો હતો. કાર્યક્રમ દરમિયાન કેટલાક ખેડૂતોએ જીનને તાળાબંધી કરવાનો પ્રયાસ કરતાં જીન સંચાલકો અને ખેડૂતો આમને-સામને આવી ગયા હતા. જેમાં જીનના ચેરમેન તથા એક ડિરેક્ટરને માર મારી બારીના કાચ તોડી નંખાતાં ભારે હોબાળો મચી ગયો હતો. દરમિયાન પોલીસે ટોળાથી બચાવવા જીનના સંચાલકોને એક રૂમમાં બંધ કરી બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેતાં હંગામો શાંત પડયો હતો.

મંગળવારે ઈડરમાં કિસાન સંઘે વિજળીના પ્રશ્ને તથા જીન બચાવો સમિતિએ સહકારી જીનમાં ગેરરીતિ મામલે ધરણાનો કાર્યક્રમ આપ્યો હતો. આ કાર્યક્રમમાં વિજળીના પ્રશ્નથી કંટાળેલા ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બંને કાર્યક્રમ એક જ સ્થળે હોઈ વિજળીનો પ્રશ્ન કોરાણે મુકાઈ ગયો હતો અને જીનના પ્રશ્ને ધમાસાણ મચી ગયું હતું.

કાર્યક્રમ દરમિયાન કેટલાક લોકો ઉશ્કેરાઈ જઈ તાળાબંધી માટે જીનની ઓફિસ સુધી ધસી ગયા હતા જેમાં લોકો અને જીન સંચાલકો વચ્ચે તુતુ-મેમે અને ગાળા-ગાળી બાદ ઘર્ષણ થયું હતું. દરમિયાન મામલો મારામારી સુધી પહોંચી જતાં જીનના ચેરમેન પ્રકાશ પટેલ તથા દિવેલા સંઘના ચેરમેન અને જીનના ડિરેક્ટર અશોક પટેલને કેટલાક લોકોએ માર મારી ખેંચાખેંચી કરી હતી.

બાદમાં ઉપસ્થિત પોલીસે ટોળાથી બચાવવા આ બંને આગેવાનોને એક રૂમમાં બંધ કરી બહાર બંદોબસ્ત ગોઠવી દીધો હતો. તેમ છતાં ટોળાએ બંને આગેવાનોને બહાર કાઢવાની માંગ કરી બારીના કાચ તોડી નાખ્યા હતા. દરમિયાન મામલો બીચકે તેમ લાગતાં ડીવાયએસપી સહિત જિલ્લાની ક્રાઈમ બ્રાન્ચનો કાફલો પણ દોડી આવ્યો હતો.

ત્યારબાદ પોલીસે બંને પક્ષો સાથે વાતચીત કરી મામલો થાળે પડતાં જ પ્રથમ જીન સંચાલકોને પોલીસ બંદોબસ્ત સાથે રવાના કરી ધરણા પર બેસેલાઓને પણ વિખેરાઈ જવા સુચના આપી હતી.

આ મામલે જીનના ચેરમેને તેમના પર મારી નાખવા માટે હુમલો કરાયો હોવાનો આક્ષેપ કરી ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે. જ્યારે સામે જીન બચાવો સમિતિના રાજુ પટેલે ચેરમેનના આક્ષેપોને ફગાવી જીન સંચાલકોએ ખેડૂતોને ગાળો બોલી માર માર્યો હોવાનું જણાવ્યું હતું.

જો કે આ બધા વચ્ચે વિજળીના પ્રશ્નના નિરાકરણની આશાએ આવેલા કેટલાક ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ હતી. જીનમાં ધમાલ થતી જોઈ અસંખ્ય ખેડૂતોએ ઘરની વાટ પકડી લીધી હતી.

ઈડરમાં જીનના પ્રશ્ને ભાજપની સામે ભાજપ

ઈડર સહકારી જીનનો વિવાદ દિન-પ્રતિદિન વધતો જઈ રહ્યો છે. જીનના પ્રશ્ને ભાજપના જ બે જુથ સામ-સામે આવી ગયા છે. જીન સંચાલક મંડળના ચેરમેન સહિત મોટા ભાગના ડિરેક્ટરો ભાજપ સાથે જોડાયેલા છે. જ્યારે જીન બચાવો સમિતિમાં પણ ભાજપના તાલુકાના મહામંત્રી સહિતના હોદ્દેદારો ભાજપની વિચારસરણીવાળા છે. ત્યારે મંગળવારે આ બંને એક જ પક્ષના બે જુથ વચ્ચે જોવા મળેલ વરવા દ્રશ્યોએ ભાજપની આબરૂના ધજાગરા ઉડાવ્યા છે.

મને મારી નાખવા હુમલો કરાયો ઃ ચેરમેન

સહકારી જીનના ચેરમેન પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે, મને મારી નાખવાને ઈરાદે અજાણ્યા સખ્શોએ જીનમાં આવી હુમલો કર્યો છે અને સંસ્થાની મિલ્કતને નુકસાન પહોંચાડયું છે. આ મામલો સી.સી. ટીવી કેમેરામાં કેદ થયો હોઈ તે આધારે પોલીસ ફરિયાદ કરીશ.

ચેરમેનના આક્ષેપ ખોટા ઃ રાજુ પટેલ

જીન બચાવો સમિતિના રાજુ પટેલે ચેરમેનના આક્ષેપોને ખોટા ગણાવી જીન સંચાલકોએ ખેડુતોને ગાળો બોલી માર માર્યાનો વળતો આક્ષેપ કર્યો હતો. તેઓએ ખેડુતો માટે લડત લડતા હોવાનું જણાવી જરૂર પડે જેલમાં જવાની પણ તૈયાર દર્શાવી હતી.