Gujarat

રિક્ષા ચાલકે મુસાફરને છરી બતાવી લૂંટી લીધો, ક્રાઈમ બ્રાંચના સકંજામાં

By GS TEAM
20 Nov 20252 mins read
રિક્ષા ચાલકે મુસાફરને છરી બતાવી લૂંટી લીધો, ક્રાઈમ બ્રાંચના સકંજામાં

મહિલા કોલેજ અન્ડરબ્રિજ નજીકની ઘટના 

રૂા.15 હજારનો મોબાઈલ ફોન અને એક હજારની રોકડ લૂંટી લેનાર રિક્ષા ગેંગની બીજા ગુનામાં સંડોવણી અંગે તપાસ

રાજકોટ: શહેરમાં રિક્ષામાં મુસાફરોની કિંમતી માલમત્તા તફડાવી લેવાની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે. હવે તેનાથી એક ડગલું આગળ એક રિક્ષા ચાલકે સાગરીત સાથે મળી છરી દેખાડી મુસાફરને લૂંટી લીધો હતો. જે અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ ક્રાઈમ બ્રાંચે બંને આરોપીઓને સકંજામાં લઈ તપાસ હાથ ધરી છે. 

આજી ડેમ ચોકડી પાસે રહેતો મહંમદઈલ્યાસ મુગલ (ઉ.વ.૪૦) મેટોડામાં ટ્રાન્સ્પોર્ટ પેઢીમાં મજુરી કરે છે. ગઈ તા.૧૮નાં રોજ તેને વતન વેરાવળ જવું હોવાથી ભક્તિનગર રેલ્વે સ્ટેશન જવા માટે મેટોડાથી રિક્ષામાં બેઠો હતો. કેકેવી ચોક પાસે ઉતરી બીજી રિક્ષામાં બેઠો હતો. જેનું રૂા.૬૦ ભાડું નકકી થયું હતું. 

કેકેવી ચોક આગળ પહોંચતા એક શખ્સ રીક્ષા ચાલકની બાજુમાં બેસી ગયો હતો. રિક્ષા ચાલકે મહિલા કોલેજ અન્ડરબ્રિજ પાસેથી રિક્ષાને જમણીને બદલે ડાબી સાઈડ વાળતાં મહંમદઈલ્યાસે કારણ પૂછયું હતું. જેથી રિક્ષા ચાલકે કહ્યું કે મારી બાજુમાં બેઠેલા ભાઈની પત્નીને હોસ્પિટલમાં ડિલીવરી થઈ છે. એટલે તેને દવા આપવા જવાનું છે. દવા આપી દીધા બાદ ભક્તિનગર રેલ્વે સ્ટેશને ઉતારી દઈશ. 

આ વાત સાંભળી મહંમદઈલ્યાસે પહેલાં પોતાને ભક્તિનગર રેલ્વે સ્ટેશને લઈ જવાનું કહેતાં  ચાલકે અવાવરૂ જગ્યાએ રિક્ષા લીધી હતી. બાદમાં તેણે અજાણ્યા શખ્સ સાથે મળી મહંમદઈલ્યાસને છરી બતાવી તેના  ખીસ્સામાંથી રૂા.૧પ હજારની કિંમતનો મોબાઈલ ફોન અને તેના કવરમાં રહેલા રૂા.૧૦૦૦ લૂંટી લીધા હતા.  

ત્યાર પછી ભાગી ગયા હતા. જે અંગે આજે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ક્રાઈમ બ્રાંચે બંને આરોપીઓ બીજા કોઈ ગુનામાં સામેલ છે કે કેમ તે સહિતના મુદ્દે તપાસ જારી રાખી છે.