Gujarat

વડોદરા: MSU વિજિલન્સમાં નિવૃત્ત અધિકારી - કર્મચારીઓને છુટા નહી કરતા અન્ય કર્મચારીઓમાં રોષ

By GS Team
6 Dec 20212 mins read
This article was originally published on 6 Dec 2021
વડોદરા: MSU વિજિલન્સમાં નિવૃત્ત અધિકારી - કર્મચારીઓને છુટા નહી કરતા અન્ય કર્મચારીઓમાં રોષ

વડોદરા, તા. 06 ડિસેમ્બર 2021 સોમવાર

વડોદરાની મહારાજા સર સયાજીરાવ યુનિવર્સિટીમાં વર્ગ-3 અને 4 માં ફરજ બજાવતા 150 કર્મચારીઓ ને પાંચ દિવસ અગાઉ છૂટા કરી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ વિજિલન્સ વિભાગમાં ફરજ પોલીસથી નિવૃત થયેલા અધિકારી અને સાત કર્મચારીઓને છુટા નહીં કરાતા અન્ય કર્મચારીઓમાં રોષ વ્યાપ્યો છે. એમ.એસ.યુનિવર્સિટીના વિજિલન્સ વિભાગમાં એક અધિકારી તથા 07 રિટાયર્ડ પોલીસ કર્મી વર્ષોથી એક જ સ્થળે ફરજ બજાવી રહ્યા છે. સરકારનો આદેશ હોવા છતાં યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા વહાલા-દવલાની નીતિ અપનાવવામાં આવી રહી છે.

અત્રે એ યાદ અપાવવું જરૂરી છે કે, તાજેતરમાં ગત તારીખ 11 નવેમ્બર ના રોજ ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે એક પરિપત્ર જારી કરી સરકારી કચેરીઓમાં નિવૃત્ત કર્મચારી અધિકારીઓની કરાર આધારિત નિમણૂકમાં સરકારની પૂર્વ મંજૂરી નહીં મેળવી હોવાના કિસ્સા પ્રકાશિત થતાં રાજ્ય સરકાર એક્શનમાં આવી છે અને આ પ્રકારની નિમણૂક પામનાર વ્યક્તિ ને તાત્કાલિક ધોરણે છુટા કરી તમામ વિભાગના મુખ્ય અધિકારીઓને રાજ્ય સરકારના ઠરાવ નું ચુસ્તપણે પાલન કરવા પરિપત્ર જારી કર્યો છે.

રાજ્ય સરકારની કચેરીઓમાં નિવૃત્તિ સરકારી અધિકારી કર્મચારીઓને વર્ગ 1 ,2 અને 3ના કર્મચારીઓને નિવૃત્તિ બાદ કરાર આધારિત નિમણૂક કરવા અંગે રાજ્ય સરકારની પુર્વ મંજુરી અનિવાર્ય હોવાની જોગવાઈ છે. સરકારના ધ્યાને આવ્યું છે કે , નિવૃત્ત થયેલા અધિકારી-કર્મચારીઓને સરકારની પુર્વ મંજુરી વગર સરકારી કચેરીઓમાં નિમણૂક કરવામાં આવે છે. 

આ પ્રકારની નિમણૂક પામનાર નિવૃત્ત અધિકારી કર્મચારી ને તાત્કાલિક ધોરણે છૂટા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. નિવૃત્તિ બાદ આપવામાં આવેલી સરકારી ખાતાઓમાં કરાર આધારિત નિમણૂકની વિગતો દર ત્રણ મહિને સંબંધિત વિભાગના નાયબ સચિવ અથવા સમકક્ષ અધિકારી દ્વારા પ્રમાણિત કરીને સામાન્ય વહીવટ વિભાગને રજૂ કરવાની રહેશે. 

આ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા તમામ સરકારી દફ્તરોમાં મુખ્ય અધિકારીઓને રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ તરફથી સૂચના આપવામાં આવી છે. ત્યારે વિજિલન્સ વિભાગમાં ફરજ બજાવતા એક અધિકારી અને સાત કર્મચારી ને હજી ફરજ પર ચાલુ રાખતા અન્ય કર્મચારીઓમાં રોષ વ્યાપ્યો છે.