Gujarat

પેવેલિયન હાઈટ્સની સ્કીમમાં પૈસા રોકનાર નિવૃત્ત ચીફ એન્જિનિયર સાથે રૂ.22.81 લાખની છેતરપિંડી

By GS TEAM
17 Jun 20262 mins read
TukuTouch Logo
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા પેવેલિયન હાઇટ્સ પ્રોજેક્ટમાં ફ્લેટ બુક કરાવનાર નિવૃત્ત ચીફ એન્જિનિયર સાથે ઊંચા વળતરની લાલચ આપી રૂ.22.81 લાખ પડાવી છેતરપિંડી કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે

Summarized by AI; it may make mistakes. Check important info

પેવેલિયન હાઈટ્સની સ્કીમમાં પૈસા રોકનાર નિવૃત્ત ચીફ એન્જિનિયર સાથે રૂ.22.81 લાખની છેતરપિંડી

Vadodara Fraud Case : વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા પેવેલિયન હાઇટ્સ પ્રોજેક્ટમાં ફ્લેટ બુક કરાવનાર નિવૃત્ત ચીફ એન્જિનિયર સાથે ઊંચા વળતરની લાલચ આપી રૂ.22.81 લાખ પડાવી છેતરપિંડી કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. ફ્લેટના કામમાં વિલંબ થતો હોવાનું જણાવી આરોપીએ રોકાણ કરાવવાના બહાને રકમ મેળવી હતી. જોકે, નોટરી કરાર કર્યા બાદ પણ ન તો વચન મુજબનું વળતર મળ્યું અને ન તો મૂળ રકમ પરત મળતા આખરે પીડિતે પોલીસનો આશરો લીધો છે.

 વાસણા રોડ વિસ્તારમાં રહેતા અને ONGC ખંભાતમાંથી ચીફ એન્જિનિયર (મેકેનિકલ) તરીકે નિવૃત્ત થયેલા હરજીતસિંગ દર્શનસિંગે વર્ષ 2020માં ગોત્રી સ્થિત પેવેલિયન હાઇટ્સ પ્રોજેક્ટમાં આશરે રૂ.60 લાખનો ફ્લેટ બુક કરાવ્યો હતો. આ દરમિયાન પ્રોજેક્ટ સાથે સંકળાયેલા પ્રતિક મહેતા સાથે તેમની ઓળખાણ થઈ હતી.

 પીડિતનો આક્ષેપ છે કે પ્રતિક મહેતાએ ફ્લેટનું કામ પૂર્ણ થવામાં સમય લાગશે તેમ જણાવી તેમની પાસે રોકાણ માટે નાણાં માંગ્યા હતા. સાથે જ 24 ટકા સુધીનું વળતર આપવાની અને જરૂર પડે ત્યારે 10 દિવસમાં રકમ પરત કરવાની ખાતરી આપી હતી. આ વિશ્વાસમાં આવી વૃદ્ધે એપ્રિલ-2023થી ઓગસ્ટ-2024 દરમિયાન તબક્કાવાર રૂ.22,81,520 પ્રતિક મહેતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા.

 તા.09 ડિસેમ્બર 2023ના રોજ રૂ.15 લાખની રકમ એક વર્ષ માટે આપવામાં આવી હોવા અંગે બંને વચ્ચે નોટરી કરાર પણ કરવામાં આવ્યો હતો. જોકે, સમય પૂર્ણ થયા બાદ પણ આરોપીએ ન તો વળતર ચૂકવ્યું અને ન જ મૂળ રકમ પરત કરી હતી. ઓક્ટોબર-2024માં દીકરીના લગ્ન પ્રસંગે નાણાંની જરૂરિયાત ઊભી થતા વૃદ્ધે વારંવાર ઉઘરાણી કરી હતી, પરંતુ આરોપી દ્વારા બહાનાબાજી કરવામાં આવી હતી.

પીડિતે વધુમાં આક્ષેપ કર્યો છે કે આરોપીએ તેમની જેમ અન્ય લોકો પાસેથી પણ રોકાણના નામે રકમ મેળવી પરત ન આપી હોવાની માહિતી મળી છે. સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે છેતરપિંડીના આક્ષેપોની દિશામાં તપાસ હાથ ધરી છે.