Gujarat

સાહિત્ય ગ્રીનમાં પાણીની સમસ્યાથી કંટાળી રહીશોની ચૂંટણી બહિષ્કારની ચીમકી

By GS TEAM
12 Mar 20261 min read
સાહિત્ય ગ્રીનમાં પાણીની સમસ્યાથી કંટાળી રહીશોની ચૂંટણી બહિષ્કારની ચીમકી

વાઘોડિયા રોડ પર આવેલી સાહિત્ય ગ્રીન સોસાયટીમાં છેલ્લા બે વર્ષથી પાણીની સમસ્યાને લઈને રહીશો ભારે પરેશાન બન્યા છે. પાણી અપૂરતું મળવું અને પાણીમાં વધુ ટીડીએસ હોવાની ફરિયાદ વચ્ચે આજે રહીશોએ મ્યુનિ. કોર્પોરેશન સામે નારાજગી વ્યક્ત કરી ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી હતી.

રહીશોએ જણાવ્યું હતું કે, ૨૧૨ મકાનો ધરાવતી આ સોસાયટીમાં દરરોજ અંદાજે ૧.૨૦ લાખ લિટર પાણીની જરૂરિયાત હોવા છતાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા માત્ર દોઢ કલાક પાણી વિતરણ કરવામાં આવે છે. જેના કારણે મોટાભાગના મકાનોમાં પૂરતું પાણી પહોંચતું નથી.

પાણીમાં ટીડીએસની માત્રા વધુ હોવાને કારણે તે પીવા માટે યોગ્ય નથી અને આરોગ્ય અંગે ચિંતા ઉભી થઈ છે. આ સમસ્યાને લઈને મ્યુનિ. કોર્પોરેશનને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. થોડા દિવસો માટે ટેન્કર દ્વારા પાણી પુરવઠો પુરો પાડયો હતો, પરંતુ હાલ તે વ્યવસ્થા પણ બંધ છે.

આજે સોસાયટીના રહીશો એકત્ર થયા હતા અને મ્યુનિ. કોર્પોરેશન સામે નારાજગી વ્યક્ત કરી હતી. રહીશોએ માગ કરી હતી કે, વહેલી તકે સોસાયટીમાં શુદ્ધ પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવામાં આવે, નહીં તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરીશું.