Gujarat

ગણપતિ ફાટસર વિસ્તારમાં બિસ્માર રોડ અને ગટરની સમસ્યાથી રહીશોમાં રોષ

By GS TEAM
22 Mar 20261 min read
ગણપતિ ફાટસર વિસ્તારમાં બિસ્માર રોડ અને ગટરની સમસ્યાથી રહીશોમાં રોષ

- નવો બનાવેલો રોડ તૂટી જતાં એજન્સી સામે પગલાં ભરવા માંગ

- રોડા, ભૂગર્ભ ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓના પુરી પાડવા મહાનગરપાલિકા કમિશનરને રજૂઆત

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરના ગણપતિ ફાટસર વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી રોડ, ભૂગર્ભ ગટર અને ડ્રેનેજની સુવિધાના અભાવે સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે. ખરાબ રસ્તા અને ઉભરાતી ગટરોને કારણે દર્શનાર્થીઓને ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. 

વિસ્તારમાં અનેક જગ્યાએ ગટર લાઈનો તૂટેલી હોવાથી રસ્તા પર દૂષિત પાણી ફરી વળવાની સમસ્યા કાયમી બની છે. જેના કારણે મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિક રહીશો દ્વારા આ બાબતે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

રજૂઆતમાં જણાવ્યા મુજબ, નવા બનેલા રોડ પણ ટૂંકા સમયમાં તૂટી ગયા છે. સ્થાનિકોએ માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે ડ્રેનેજ લાઈનનું સમારકામ કરવામાં આવે અને નવા રોડ રસ્તા બનાવવામાં આવે. આ ઉપરાંત, નબળી ગુણવત્તાનું કામ કરનાર કોન્ટ્રાક્ટર એજન્સી સામે કડક પગલાં લેવાની પણ માંગણી કરવામાં આવી છે. જો આગામી દિવસોમાં આ પ્રાથમિક પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે, તો રહીશોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે, જેની સંપૂર્ણ જવાબદારી પાલિકા તંત્રની રહેશે તેવું સ્પષ્ટ જણાવ્યું છે.