Get The App

નડિયાદ મહાનગરપાલિના વિવિધ સંવર્ગના મહત્વના 13 પદો માટે ભરતીની જાહેરાત

Updated: Mar 21st, 2026

GS TEAM

Google News
Google News
નડિયાદ મહાનગરપાલિના વિવિધ સંવર્ગના મહત્વના 13 પદો માટે ભરતીની જાહેરાત 1 - image

- રાજ્ય સરકાર દ્વારા પ્રથમ મહેકમને મંજૂરી

- મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત વર્ગ 1 અને 2-ની જગ્યાઓ માટે જીપીએસસી દ્વારા પરીક્ષા લેવાશે

નડિયાદ : નડિયાદ નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં રૂપાંતર થયા બાદ લાંબા સમયથી પ્રતીક્ષિત એવા નવા મહેકમને મંજૂરી મળી ગઈ છે. રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયેલા આ મહેકમ મુજબ વિવિધ ૧૩ જેટલા ટેકનિકલ અને વહીવટી સંવર્ગોે માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી દ્વારા સંચાલિત કરવામાં આવશે, જેના કારણે શહેરના વિકાસ કાર્યમાં ગતિ આવશે.

નડિયાદ શહેરના ઇતિહાસમાં મહાનગરપાલિકાના દરજ્જા સાથે વહીવટી તંત્રને સુદ્રઢ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા પ્રથમ મહેકમને મંજૂરીની મહોર મારી દેવામાં આવી છે. અત્યાર સુધી પાલિકાના મર્યાદિત મહેકમ સાથે કામગીરી ચાલતી હતી, પરંતુ હવે મહાનગરપાલિકા બન્યા બાદ વધેલા કાર્યભાર અને જવાબદારીઓને પહોંચી વળવા માટે વિવિધ વિભાગોમાં ઉચ્ચ અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે. આ નવી ભરતીમાં મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, અધિક સિટી એન્જિનિયર, ટાઉન પ્લાનર અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર જેવા વર્ગ ૧ અને વર્ગ ૨-ના મહત્વના પદોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ જગ્યાઓ ભરાવાથી શહેરના આયોજનબદ્ધ વિકાસ અને જાહેર આરોગ્યની સેવાઓમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે તેવી આશા છે.

મંજૂર થયેલા મહેકમ મુજબ કુલ ૧૩ સંવર્ગોમાં વિવિધ સંખ્યામાં જગ્યાઓ ભરવા માટે જાહેરાત આપવામાં આવી છે. જેમાં ટેકનિકલ વિભાગમાં સિવિલ, ઇલેક્ટ્રિક અને મિકેનિકલ એન્જિનિયરોની ખાલી જગ્યાઓ ભરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક રહે તે હેતુથી જીપીએસસી દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવશે, જેમાં મેરીટના આધારે લાયક ઉમેદવારોની પસંદગી થશે. પ્રાથમિક કસોટી માટેની સંભવિત તારીખ પણ ૨૬ એપ્રિલ ૨૦૨૬ નક્કી કરવામાં આવી છે, જે માટેની વહીવટી તૈયારીઓ પાલિકા કક્ષાએથી શરૂ કરી દેવામાં આવી છે. આ ભરતીથી વર્ષોેથી ઇન્ચાર્જ અધિકારીઓના ભરોસે ચાલતા વિભાગોને કાયમી અને સક્ષમ અધિકારીઓ મળશે. નડિયાદ મહાનગરપાલિકામાં નવા પદોની મંજૂરી મળતા વહીવટી માળખું હવે નવા કલેવર ધારણ કરશે. ખાસ કરીને ટાઉન પ્લાનિંગ અને સેનિટેશન જેવા વિભાગોમાં કાયમી અધિકારીઓની નિમણૂક થવાથી ગેરકાયદેસર દબાણો અને સફાઈના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવી શકાશે. 

સંવર્ગ ભરવા પાત્ર જગ્યા

મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ-૧, અધિક સિટી એન્જિનિયર (સિવિલ)- ૨, ટાઉન પ્લાનર-૧, તબીબી અધિકારી-૨, મદદનીશ એન્જિનિયર (સિવિલ)-૮, મદદનીશ એન્જિનિયર (વિદ્યુત)-૫, મદદનીશ એન્જિનિયર (યાંત્રિક)-૬, કાર્ર્યપાલક એન્જિનિયર (સિવિલ)-૫, કાર્ર્યપાલક એન્જિનિયર (વિદ્યુત)-૩, કાર્યપાલક એન્જિનિયર (યાંત્રિક)-૩, સેનિટેશન ઓફિસર-૨, પશુ ચિકિત્સા અધિકારી-૧, જુનિયર ટાઉન પ્લાનર-૨