Gujarat

બેંકવાળાની ધમકીથી ડરશો નહીં: વાંચો, AXIS બેંકમાંથી ઉઘરાણી કરતા શખ્સ સામે ફરિયાદ

By GS Team
12 Mar 20222 mins read
This article was originally published on 12 Mar 2022
બેંકવાળાની ધમકીથી ડરશો નહીં: વાંચો, AXIS બેંકમાંથી ઉઘરાણી કરતા શખ્સ સામે  ફરિયાદ

- 2017માં પર્સનલ લૉન લીધા બાદ એક વર્ષ સુધી હપ્તા ભર્યા બાદ લોકડાઉનમાં નોકરી છૂટી ગઈ

- આર્થિક સંકડામણમાં હપ્તા ના ભર્યા બેંક અધિકારીને પૈસા આવશે એટલે ભરવાની ખાતરી આપ્યા બાદ ધમકી મળી 

અમદાવાદ, તા. 12 માર્ચ 2022, શનિવાર 

તારી પાસેથી હું AXIS બેંકની લોનના પૈસા તો વસૂલીને રહીશ તેવી ધમકી આપનાર શખ્સ સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. કન્સ્ટ્રક્શનના ધંધાર્થીએ 2017માં પર્સનલ લૉન લીધા બાદ એક વર્ષ સુધી હપ્તા ભર્યા બાદ લોકડાઉનમાં નોકરી છૂટી જતા આર્થિક સંકડામણ આવી હતી. AXIS બેંકના અધિકારીનો ફોન આવતા પૈસા આવશે એટલે વ્યાજ સાથે ચૂકવી દઈશ તેવી ખાતરી વેપારીએ આપી હતી. તે પછી પણ અજાણ્યો શખ્સ ઉઘરાણી કરવા ઘરે આવ્યો તેમજ ફોન પર પૈસા વસૂલવા ધમકી આપતો હતો. 

જુહાપુરાના ચીનાર પાર્કની બાજુમાં આવેલ કન્સ્ટ્રકશનના ધંધાર્થી જોહેફભાઈના ઘરે પૈસાની ઉઘરાણી માટે અજાણ્યો શખ્સ આવ્યો હતો. જોહેફભાઈ ઘરે હાજર ન હોવાથી તેમની પત્નીને આ શખ્સે પોતાનો મોબાઈલ નંબર આપ્યો તેમજ જોહેફભાઈનો નંબર લીધો હતો. અજાણ્યા શખ્સને જોહેફભાઈએ ફોન કરી જણાવ્યું કે, તમે મારા ત્યાં ઉઘરાણી કરવા આવો તો બેંકનું આઈકાર્ડ અને ઔથોરિટી લેટર મને બતાવી જજો. તે પછી પણ આ શખ્સ ફોન કરી અનેક વખત ઉઘરાણી કરતો અને ફરિયાદી આઈકાર્ડ અને લેટર બતાવી જવાનું કહેતા હતા. 

જોહેફભાઈ શુક્રવારે બપોરે ઘરે હતા ત્યારે 4.30 વાગ્યે અજાણ્યા શખ્સનો કોલ આવ્યો હતો. આ શખ્સને આઈકાર્ડ અને લેટર બતાવી જાવ પછીજ તમારી સાથે વાત કરીશ તેમ ફરિયાદીએ જણાવ્યું હતું. જોકે ફોન કરનારે હું તારી પાસે લોનના પૈસા વસૂલીને જ રહીશ તેવી ધમકી આપી હતી.