Gujarat

પાલનપુર પાટીયાથી જકાતનાકા જવાના રોડ પરઃ લઘુશંકા બાબતે ઠપકો આપનાર સિક્યુરીટી ગાર્ડ યુવાનની રેમ્બો છરાના ઘા ઝીંકી હત્યા

By GS Team
7 Feb 20222 mins read
This article was originally published on 7 Feb 2022
પાલનપુર પાટીયાથી જકાતનાકા જવાના રોડ પરઃ લઘુશંકા બાબતે ઠપકો આપનાર  સિક્યુરીટી ગાર્ડ યુવાનની રેમ્બો છરાના ઘા ઝીંકી હત્યા



- માતાને થોડીવારમાં આવું છું કહીને નીકળેલા બંટી સોલંકીની પરિચીત યુવાન અને તેના ત્ળ્યોઃરણ મિત્રોએ હત્યા કરી દીધીઃ બંટીના મિત્રને તમાચા માર્યા 

સુરત
રાંદેર રોડ સ્થિત પાલનપુર પાટિયાથી જકાતનાકા જવાના રોડ પર ગાયત્રી સર્કલ નજીક જાહેરમાં લઘુશંકા કરવા બાબતે ઠપકો આપનાર 30 વર્ષીય યુવાનને રેમ્બો છરાના ઘા ઝીંકી રહેંસી નાંખ્યો હતો. જયારે તેને બચાવવાનો પ્રયાસ કરનાર મિત્રને ચાર-પાંચ તમાચા ઝીંકી દીધા હતા. રાંદેર પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા ચાર મિત્રોની અટકાયત કરી છે.
પાલનપુર પાટિયાથી જકાતનાકા જવાના રોડ સ્થિત ભાગ્યોદય સોસાયટીમાં રહેતો રવિ ઉર્ફે બંટી હરેશ સોલંકી (ઉ.વ. 30 મૂળ રહે. આનંદનગર સોસાયટી, બડવાની, મધ્યપ્રદેશ) સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. ગત રાત્રે 9 વાગ્યે નોકરી પરથી આવ્યા બાદ માતા લતાબેન પાસેથી 50 રૂપિયા લઇ થોડી વારમાં આવું છું એમ કહી નીકળ્યો હતો. ઘર નજીક ગાયત્રી સર્કલની સામે ખોડિયાર કોમ્પ્લેક્ષ પાસે બંટીનો પરિચીત યુવાન સંજય ઉર્ફે સંજુ જાહેરમાં લઘુશંકા કરી રહ્યો હોવાથી તેને ઠપકો આપ્યો હતો. જેથી સંજય અને બંટી વચ્ચે ગાળાગાળી થઇ હતી. જો કે બંને ત્યાંથી ચાલ્યા ગયા હતા અને ગાયત્રી સર્કલ પાસે બંટી તેના મિત્ર જયેશ વિઠ્ઠલ નથવાણી સાથે ઉભા હતા.


ત્યારે સંજય તેના ચાર મિત્રો સાથે બાઇક પર ઘસી આવી બંટીને ગાળો આપી માર મારતા જયેશે બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ જયેશને ત્રણ ચાર તમાચા ઝીંકી દીધા હતા જયારે બંટીને જમણા પગના ઘુંટણના ઉપરના ભાગે રેમ્બો છરાનો ઘા ઝીંકી દેતા આરપાર નીકળી ગયો હતો. બુમાબુમ થતા હુમલો કરનાર ચારેય ત્યાંથી ભાગી ગયા હતા. જયારે ઇજાગ્રસ્ત બંટીને નવી સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. પરંતુ વધુ પડતું રક્તસ્ત્રાવને કારણે તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનામાં રાંદેર પોલીસે ગણતરીના કલાકોમાં ચારેય હત્યારા સંજય ઉર્ફે સંજુ સહદેવ જગતાપ (ઉ.વ.28 રહે. ઝઘડીયા ચોકડી, પાલનપુર જકાતનાકા), અર્જુન લલન ચૌધરી (ઉ.વ.25) અને અજય ઉર્ફે અજ્યો રઘુ ભરવાડ (ઉ.વ.30 બંને રહે. આંબેડકરનગર, પાલનપુર જકાતનાકા), કવન ઉર્ફે ક્રિષ્ણા નાથુભાઈ ખલાસી (ઉ.વ.24 રહે.સંતતુકારામ સોસાયટી, પાલનપુર જકાતનાકા) ની અટકાયત કરી છે.

ખાનગી હોસ્પિટલમાં આયા તરીકે નોકરી કરતા લતાબેનને પતિ કયાં છે તેનો કોઇ પત્તો નથી અને પુત્રની હત્યા થઇ ગઇ
ખાનગી હોસ્પિટલમાં આયા તરીકે નોકરી કરતા લતાબેનના પતિ હરીશ રાજારામ સોલંકી છેલ્લા ઘણા વર્ષોથી કયાં છે તેનો કોઇ પત્તો નથી. લતાબેનને સંતાનમાં બે પુત્ર બંટી અને રાહુલ છે. રાહુલ વતનમાં દાદા-દાદી સાથે રહે છે અને બંટી સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરી માતાને આર્થિક મદદરૂપ થતો હતો. પરંતુ સામાન્ય બાબતના ઝઘડામાં લતાબેને પુત્રને ગુમાવી દેતા ભારે આક્રંદ કરી મુક્યું હતું.