ચાર દિવસ પહેલાંની ઘટના હત્યામાં પરિણમી
પારડીના શખ્સ સાથે સંબંધ તોડી નાંખતા મારી નહીં તો બીજાની પણ નહીં તેવું વિચારી હુમલો કર્યો હતો
રાજકોટ : કોઠારીયા સોલવન્ટ પાસેના રસુલપરામાં રહેતી જુબેદા અયુબ ગુડદી (ઉ.વ.૩૭)ને ચારેક દિવસ પહેલા પારડીમાં છરીના આડેધડ દસેક ઘા ઝીંકી આંતરડા કાઢી નંખાયા હતા. ગંભીર રીતે ઘાયલ જુબેદાએ આજે રાજકોટની સિવિલમાં દમ તોડી દેતા બનાવ હત્યામાં પલ્ટાયો છે. જોકે પારડીમાં રહેતો આરોપી પ્રવિણ પરમાર અને તેનો પુત્ર હજુ પકડાયા નથી. શાપર પોલીસ બંનેની શોધખોળ જારી રાખી છે.
શાપર પોલીસની તપાસમાં બહાર આવ્યા પ્રમાણે જુબેદાના પહેલા લગ્ન હરીકૃષ્ણ પટેલ સાથે થયા હતા. તેનાથી બે સંતાનોની પ્રાપ્તી થઇ હતી. સાતેક વર્ષ પહેલા તેણે ટ્રક ડ્રાઇવર અયુબ સાથે બીજા લગ્ન કર્યા હતા. જુબેદા અગાઉ પારડીમાં રહેતી હતી ત્યારે પાડોશમાં રહેતા પ્રવિણ સાથે સંપર્ક થતાં તેની સાથે પણ સંબંધો બંધાયા હતા.
ગમે તે બન્યું તેણે પ્રવિણને છોડી દીધો હતો. ત્યારબાદ ફરીથી અયુબ પાસે જતી રહી હતી. તેની હત્યાના આઠ દિવસ પહેલાં જ પારડી છોડી રસુલપરામાં રહેવા ગઇ હતી. તેણે તરછોડી દેતા પ્રવિણ તેની ઉપર કાળજાળ થયો હતો. જો જુબેદા મારી નથી થઇ તો બીજાની પણ નહીં થવા દઉ તેવું વિચારી ચારેક દિવસ પહેલાં તેને પારડીમાં છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા.
શાપર પોલીસે રાજકોટમાં રહેતી જુબેદાની પુત્રી ખુશી તિવારીની ફરિયાદ પરથી પ્રવિણ અને તેના પુત્ર સામે ખૂનની કોશિષનો ગુનો નોંધ્યો હતો. જોકે બનાવ બાદ બંને ફરાર થઇ ગયા હોવાથી હજુ સુધી હાથમાં આવ્યા નથી. જુબેદાના મોત બાદ પોલીસે હવે ખૂનની કલમનો ઉમેરો કર્યો છે.


