Rajkot News : ગુજરાતમાં આ વર્ષે મગફળીનું વિક્રમજનક ઉત્પાદન થયું અને સપ્લાયમાં પણ વધારો થયો છતાં જાન્યુઆરી માસમાં સિંગતેલના ભાવમાં 20 દિવસમાં રૂ.310નો તોતિંગ વધારો ઝીંકી દીધા બાદ હવે તેમાં ઘટાડો ધીમી ગતિએ શરુ થયો છે અને ચાર દિવસમાં રૂ.40નો ઘટાડો ડબ્બે નોંધાયો છે. માંગ સ્થિર, પુરવઠો વઘ્યો છતાં તેલ લોબીની ભાવ રમત, મગફળીના ન્યુનત્તમ ભાવ વઘ્યા હતા.
કિંમત ઘટવાની ઝડપ ખૂબ જ ઓછી
તા.6,7 જાન્યુઆરીએ સિંગતેલનો 15 કિલો ડબ્બાના મહત્તમ રૂ.2615ના ભાવે સોદા થતા હતા, આ ભાવ તા.28 જાન્યુઆરી સુધીમાં રૂ.310નો તોતિંગ વધારો અને તે પણ સીઝનમાં અને મબલખ ઉત્પાદન-ધોધમાર સપ્લાય વચ્ચે ઝીંકી દેવાતા ભાવ રૂ.2925ની ઊંચી સપાટીએ લઈ જઈ ગત શુક્રવાર સુધી તે ઊંચાઈએ જળવાયા બાદ હવે ઘટાડાનો ક્રમ ધીમા પગલે શરુ કરાયો છે.
સિંગતેલમાં પણ સટ્ટાખોરી
ગત ચાર દિવસમાં આજે ડબ્બાના ભાવ રૂ.40 ઘટીને રૂ.2835-2885ના ભાવે સોદા પડ્યા હતા. જો કે આ ભાવે પણ કપાસિયા કરતા સિંગતેલ રૂ.560 મોંધું છે. બીજી તરફ, મગફળીના ભાવ પણ આશ્ચર્યજનક રીતે વધઘટ થઈ રહ્યા છે. ગત તા.27 જાન્યુઆરીએ મગફળીના ન્યુનત્તમ ભાવ રૂ.1200 થી મહત્તમ રૂ.1730 રાજકોટ યાર્ડમાં નોંધાયા હતા. પરંતુ, એક સપ્તાહમાં જ ખેડૂતોને મળતાં ન્યુનત્તમ ભાવ 125 વધીને રૂ.1325 થયા જ્યારે મહત્તમ ભાવ 180 ઘટીને 1551 સુધીના રહ્યા છે.
સોના-ચાંદી જેવી સટ્ટાખોરી
સોના-ચાંદીની બજાર એક સમયે માંગ-પુરવઠાના આધારે ભાવમાં આંશિક 10-15 ટકાની વધઘટ થતી પરંતુ, હવે આ બજાર અસલી ગ્રાહકોને બદલે સટ્ટાખોરો, એકના ડબલ ઇચ્છતા રોકાણકારોના હાથમાં ચાલી જતા અસ્થિર થઈ છે. હવે સિંગતેલના કૃત્રિમ રીતે વઘુ વધતાં અને ઓછા ઘટતાં ભાવમાં પણ સટ્ટાખોરી, નફાખોરીની ગંધ આવી રહી છે. ઉલ્લેખનીય છે કે સિંગતેલ ગુજરાતના વાતાવરણને સૌથી વધુ માફક આવતું ખાદ્યતેલ કહેવાય છે. જ્યારે તેમાં પણ સટ્ટાખોરી ગુજરાતીઓને ખીજવી શકે તેમ છે.
આ પણ વાંચો : સોનું 2 લાખને પાર થશે! તેજીની ભવિષ્યવાણી વચ્ચે સોનું બે દિવસમાં 300 ડૉલર વધ્યું


