રાજકોટ: પવિત્ર શ્રાવણમાં કોમી એકતાની મિસાલ; 35 વર્ષથી પગપાળા મહાદેવના દર્શને જાય છે મુસ્લિમ શ્રદ્ધાળુ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Shravan 2026: પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે રાજકોટ પંથકમાંથી કોમી એકતા, શ્રદ્ધા અને માનવતાની સેવાનું એક અનોખું અને પ્રેરણાદાયી દ્રશ્ય સામે આવ્યું છે. રાજકોટના જગન્નાથ વિસ્તારમાં રહેતા અહેસાન ચૌહાણ નામના મુસ્લિમ વ્યક્તિ છેલ્લા 35 વર્ષથી નિયમિતપણે ચાલીને ઈશ્વરિયા મહાદેવના દર્શનાર્થે જાય છે અને સાંપ્રદાયિક સદભાવની મિસાલ કાયમ કરી રહ્યા છે.
અહેસાન ચૌહાણના પગમાં ટાંકા છતાં અડગ શ્રદ્ધા
અહેસાન ચૌહાણને તાજેતરમાં એક અકસ્માત નડ્યો હતો, જેમાં તેના પગમાં 45 ટાંકા આવ્યા છે. આટલી ગંભીર ઈજા અને ચાલવામાં પડતી તકલીફ છતાં તેમની શ્રદ્ધા અને હિંમત સહેજ પણ ડગ્યા નથી. તે આજે પણ ધીમે-ધીમે ચાલીને ઈશ્વરિયા મહાદેવના દર્શને પહોંચે છે. તેનું કહેવું છે કે, 'હું જીવીશ ત્યાં સુધી આ સેવા યથાવત્ રાખીશ. ધર્મ ભલે અલગ હોય, પરંતુ કોઈ પણ ધર્મ કે સમાજ સારા કાર્યો કરતાં રોકતો નથી. હું મંદિરમાં હંમેશાં એ જ પ્રાર્થના કરું છું કે હિન્દુ અને મુસ્લિમ સમાજ હંમેશાં સાથે મળીને પ્રેમથી રહે.'
22 વર્ષથી દિવ્યાંગો અને જરૂરિયાતમંદોને કરાવે છે સોમનાથ યાત્રા
અહેસાન ચૌહાણ માત્ર પોતે જ દર્શન કરવા નથી જતા, પરંતુ છેલ્લા 22 વર્ષથી મનબુદ્ધિના બાળકો, ભિક્ષુકો, વૃદ્ધો, અપંગ અને જરૂરિયાતમંદ લોકોને પણ પદયાત્રા દ્વારા સોમનાથ મહાદેવની યાત્રા કરાવે છે.
કલેક્ટર હસ્તે 'કોમી એકતા એવોર્ડ'થી સન્માનિત
સમાજમાં કોમી એકતા અને નિઃસ્વાર્થ માનવસેવાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડવા બદલ અહેસાન ચૌહાણને અગાઉ જિલ્લા કલેક્ટરના હસ્તે 'હિન્દુ-મુસ્લિમ કોમી એકતા એવોર્ડ' આપીને સન્માનિત પણ કરવામાં આવ્યા છે. શ્રાવણ માસના આ પવિત્ર દિવસોમાં તેમની આ અનોખી ભક્તિ અને સેવાભાવના સમગ્ર વિસ્તારમાં પ્રશંસા પામી રહી છે.









