Gujarat

મજેઠી ચેકપોસ્ટ પાસેથી રૃા.5.52 લાખના દારૃ સાથે રાજસ્થાનનો શખ્સ ઝડપાયો

By GS TEAM
23 Sep 20251 min read
મજેઠી ચેકપોસ્ટ પાસેથી રૃા.5.52 લાખના દારૃ સાથે રાજસ્થાનનો શખ્સ ઝડપાયો

રસ્સાના રોલની આડમાં સંતાડી દારૃ લઈ જવાતો હતો

દારૃની ૧૬૩૨ બોટલો, પીકઅપ વાન સહિત રૃા.૭.૫૮ લાખનો મુદ્દામાલ કબજે કરાયો

સુરેન્દ્રનગર -  સુરેન્દ્રનગર એલસીબી પોલીસે દસાડા તાલુકાના મજેઠી ચેકપોસ્ટ પાસેથી પીકઅપ વાનમાં રસ્સાના રોલની આડમાં સંતાડી ગેરકાયદે રીતે લઈ જવાતા ઈંગ્લીશ દારૃના ૫.૫૨ લાખના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર એલસીબી ટીમે દસાડા તાલુકામાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. જે દરમિયાન બાતમીના આધારે બજાણા પોલીસ મથકની હદમાં આવેલ મજેઠી ચેક પોસ્ટ પાસેથી પીકઅપ વાન પસર થતાં તેને રોકી તલાસી લેતા રસ્સાના રોલની આડમાં સંતાડી લઈ જવામાં આવતા અલગ-અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૃની નાની ૧૬૩૨ બોટલ કિં.રૃા.૫,૫૨,૦૦૦ તથા પીકઅપ વાન કિં.રૃા.૨,૦૦,૦૦૦, મોબાઈલ કિં.રૃા.૫,૦૦૦ તેમજ રસ્સાના રોલ કિંમત રૃા.૧,૦૦૦ સહિત કુલ રૃા.૭,૫૮,૦૦૦ના મુદ્દામાલ સાથે પીક અપના ચાલક રાકેશકુમાર ભાખરારામ દરુ બિસ્નોઈ (રહે.રાજસ્થાન)ને ઝડપી લીધો હતો અને બજાણા પોલીસ મથકે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.