'ગામમાં કોઈ દીકરી દેવા રાજી નથી...' અમરેલીના આ ગામમાં બારેમાસ ભરેલા રહેતા પાણીથી હાલાકી, ગ્રામજનોએ પીડા ઠાલવી
Amreli News: ગુજરાતના વિકાસનો ઢોલ દેશભરમાં પીટવામાં આવે છે. પરંતુ, ચોમાસુ આવતાંની સાથે જ તેની વાસ્તવિકતા છતી થઈ જાય છે. આમ તો ચોમાસાની ઋતુમાં રાજ્યભરમાં દરેક જગ્યાએ પાણી ભરાતા હોય છે. પરંતુ, ત્યારબાદ તાત્કાલિક તેનો નિકાલ પણ કરી દેવામાં આવતો હોય છે. પરંતુ, અમરેલીના ગામડાઓમાં સ્થિતિ કંઈક જુદી જ છે.
એક દાયકાથી અમરેલીના ગામડાની પરિસ્થિતિ
છેલ્લા એક દાયકાથી અમરેલીના ગામડાઓમાં ગ્રામજનો હાલાકીનો સામનો કરી રહ્યા છે. હવે તો આવા પ્રશ્નોની રજૂઆત કરતા પણ લોકોની આંખોમાં પાણી આવી જાય છે. તેમ છતાં તંત્રને ન તો આ લોકોની પીડા દેખાય છે અને ન તો તેમના આંસુ. ગામના લોકો પોતાની મૂળભૂત જરૂરિયાતો મેળવવા માટે પણ વલખા મારી રહ્યા છે.
અમરેલીના બાબરા તાલુકાના તાઇવદર ગામના આ દૃશ્યો ભલભલાને કંપાવી નાખે તેવા છે, એક વૃદ્ધના આંસુ તંત્રને દેખાતા નથી, ખદમદતા કિચડમાં ચાલવા મજબૂર બાળકો અને મહિલાઓની વેદના તંત્રને ધ્યાને ક્યારે પડશે? બાબરાના તાઇવદર ગામે મુખ્ય માર્ગ ઉપર છેલ્લા પાંચ વર્ષથી ગોઠણ સમા પાણી ભરેલા રહે છે, પાણીનો યોગ્ય નિકાલ કરવામાં નાકામ તંત્રના પાપે વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ ખરાબ થઈ રહ્યું છે. ગામ આખામાં સ્ટ્રીટ લાઇટ નહીં હોવાના કારણે અંધારામાં મહિલાઓ અને વૃદ્ધો ઘરની બહાર નીકળી નથી શકતા, ગામમાં આસપાસના ઘરોમાં બીમારીઓ પણ વકરી રહી છે, શાળાએ જતાં વિદ્યાર્થીઓએ પાણીના કારણે શાળાએ પહોંચે એ પહેલા કીચડથી કપડા ખરાબ થઈ જાય છે. તેમ છતાં તંત્ર પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા નથી કરી રહ્યુ.
ગ્રામજનોની વેદના
આ બાબતે કનુભાઈ ખાસડે જણાવ્યું કે, 'અમારે ત્યાં દર વર્ષે ચોમાસામાં આ તકલીફ હોય છે અને ઉનાળામાં પણ આ જ ગટરનું પાણી ચારે બાજું ફેલાયેલું હોય છે. એટલે આ સમસ્યા ફક્ત ચોમાસા પૂરતી નહીં પરંતુ, બારેય માસની છે. કેટલીય વાર આ વિશે વિનંતી કરે છે રજૂઆત કરી છે, તેમ છતાં કોઈ અમારી વાતને ધ્યાને લેતું નથી. એકવાર ટીડીઓ સાહેબ આવ્યા પરંતુ, અમારા કપડાં બગડે એવું કરીને બહારથી જ જતા રહ્યા.'
કોઈ દીકરી આપવા પણ રાજી નથી
આ વિશે વધુ વાત કરતાં ગામના સંજયભાઈએ જણાવ્યું કે, 'અહીં અમારા ગામની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. ચારે બાજુ નકરો ગંદવાડો છે. બાળકો શાળાએ નથી જઈ શકતા. આ સિવાય કોઈ અમારા ગામે દીકરી દેવા પણ તૈયાર નથી. અવાર-નવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ પ્રકારનું ધ્યાન દેવામાં નથી આવતું. મત લેવા હોય ત્યારે ભાજપના નેતાઓ દોડી-દોડીને આવે છે, પરંતુ હવે તો કોઈ ધ્યાન પણ આપતું નથી. બધા બારોબાર જતા રહે છે, કોઈ ગામમાં પણ આવતું નથી.'