ગંભીરા બ્રિજ તૂટ્યા પછી ડહાપણ સૂઝ્યું, પુલોની ગુણવત્તા તપાસવા મોબાઈલ બ્રિજ ઈન્વેસ્ટિગેશન યુનિટ સક્રિય
Mobile Bridge Investigation Unit: ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકાર સફાળી જાગી છે. રાજ્યના બધાય પુલોની ચકાસણી કરીને સમારકામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે જામનગર જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લામાં આવેલા વિવિધ પુલોની સઘન ચકાસણી હાથ ધરવામાં આવી છે. આ મહત્ત્વપૂર્ણ કામગીરી માટે મોબાઈલ બ્રિજ ઇન્વેસ્ટિગેશન યુનિટને કામે લગાડવામાં આવ્યું છે, જે પુલોની મજબૂતાઈ અને સ્થિતિનું બારીકાઈથી નિરીક્ષણ કરી રહ્યું છે.
આ અંગે જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર વિજય ગોસ્વામીએ જણાવ્યું કે ચોમાસાની સંભવિત પરિસ્થિતિ અને સતત વધતા જતા વાહન વ્યવહારને ધ્યાનમાં રાખીને પુલોની સુરક્ષા સુનિશ્ચિત કરવી અનિવાર્ય બની છે. આથી, માર્ગ અને મકાન વિભાગ દ્વારા પુલોના બાંધકામની ગુણવત્તા, ખાસ કરીને જળ સપાટીની નીચેના ભાગોની મજબૂતાઈ અને સ્થિતિ જાણવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
આ તપાસ અભિયાનમાં આધુનિક ઉપકરણો અને મશીનરીનો ઉપયોગ થઈ રહ્યો છે. પાણીની અંદર પુલના પાયા, સ્તંભો અને અન્ય માળખાકીય તત્વોમાં કોઈ ક્ષતિ કે નબળાઈ છે કે કેમ, તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. આ માટે વિવિધ ટીમોનું ગઠન કરવામાં આવ્યું છે, જેમાં નિષ્ણાત ઇજનેરો અને ટેક્નિશિયનોનો સમાવેશ થાય છે. અને આ ટીમો ઝડપભેર આ કામગીરી પૂર્ણ કરવા માટે કાર્યરત છે.
મોબાઇ બ્રિજ ઈન્વેસ્ટિગેશન યુનિટ (MBUI)
મોબાઇલ બ્રિજ ઇન્વેસ્ટિગેશન યુનિટ (MBIU) ટેકનોલોજી એ પુલના નિરીક્ષણ અને જાળવણી માટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ સાધન છે. આ યુનિટ ખાસ ડિઝાઇન કરાયેલા વાહનો પર આધારિત હોય છે જે પુલના વિવિધ ભાગો, ખાસ કરીને પુલની નીચેની સપાટી (ડેક) અને માળખાકીય ઘટકોનું નિરીક્ષણ કરવા માટે ઉપયોગી છે. આ ટેકનોલોજી પુલોની સલામતી, ટકાઉપણું અને આયુષ્ય સુનિશ્ચિત કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આ સુવિધા પુલના ડેકથી લઈને નીચેના ભાગો સુધી, જેમાં ગર્ડર્સ, સપોર્ટ્સ અને પાયાનો સમાવેશ થાય છે, ત્યાં સુધી પહોંચવામાં મદદ કરે છે.
નદીની અંદર હાઇટ વધુ હોય ત્યાં આપણે પહોંચી શકતા ના હોઇએ ત્યારે આ મશીન નીચે લઇ જાય છે. આ નીચે ઉતરવા માટેનું માધ્યમ છે. આ સુપર સ્ટ્રકચરમાં પેડલ, બેરિંગ, સુપર સ્ટ્રકચર ગડર અને ડેકનું વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કરવું હોય અને રિબાઉન્ડ હેબર્ડ ટેસ્ટિંગ કરવું હોય ત્યારે મોબાઇ બ્રિજ ઈન્વેસ્ટિગેશન યુનિટ (MBUI)નો ઉપયોગ થાય છે.
આ યુનિટ્સ અત્યાધુનિક સેન્સર્સ, ઉચ્ચ-રિઝોલ્યુશન કેમેરા, થર્મલ ઇમેજિંગ અને કેટલીકવાર નોન-ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ (NDT) ઉપકરણોથી સજ્જ હોય છે. આ ઉપકરણો પુલમાં રહેલી તિરાડો, કાટ, નુકસાન અને અન્ય માળખાકીય ખામીઓને ચોકસાઈપૂર્વક ઓળખવામાં મદદ કરે છે.