જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાંથી નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે પરપ્રાંતિય શખ્સ SOGના હાથે પકડાયો
જામનગરની SOG શાખાની ટુકડીએ પૂર્વ બાતમીના આધારે મોટીખાવડી વિસ્તારમાં દરોડો પાડી એક પરપ્રાંતિય શખ્સને નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે પકડી પાડ્યો છે, અને તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ બિહાર રાજ્યનો વતની અને હાલ જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં એક ભાડાના મકાનમાં રહેતો અને છૂટક મજૂરી કામ કરતો અમરેશકુમાર ભગવાનદાસ નામનો પરપ્રાંતિય શખ્સ બહારથી નસીલા પદાર્થ ગાંજાના જથ્થાને આયાત કરીને તેનું ખાનગીમાં વેચાણ કરી રહ્યો છે, તેવી ચોક્કસ બાતમી મળી હોવાથી SOG શાખાની ટુકડીએ ગઈકાલે મોડી રાત્રે મોટી ખાવડી વિસ્તારમાં ઉપરોક્ત મકાન પર દરોડો પાડયો હતો.
જે દરોડા દરમિયાન મકાનમાંથી એક કિલો અને 955 ગ્રામ નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે રૂપિયા 24,550ની કિંમતનો ગાંજો કબજે કરી લઇ અમરેસકુમાર ભગવાનદાસની અટકાયત કરી લીધી છે, અને તેની સામે મેઘપર પડાણા પોલીસ મથકમાં નાર્કોટિક ડ્રગ્સ એકટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે.