૮૯ લાખના ઉચાપત કેસમાં સંડોવાયેલા ત્રણ કર્મચારીઓની મ્યુનિ.માં નોકરીએ પરત લેવા અરજી

અમદાવાદ,બુધવાર,16
ફેબ્રુ,2022
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગુડ ગવર્નન્સ અને
ભ્રષ્ટાચારમુકત શાસનની સુફીયાણી વાતોની વચ્ચે રુપિયા ૮૯ લાખના નાણાંકીય ઉચાપત
કેસમાં સંડોવાયેલા ત્રણ કર્મચારીઓએ મ્યુનિ.સમક્ષ તેમને નોકરીમાં પરત લેવા દયાની
અરજી કરવામાં આવી છે.દારુ પીને પોલીસ હોવાની ખોટી ઓળખ આપી નિર્દોષને હેરાન કરનારા
જુનીયર કલાર્ક દ્વારા પણ તેને નોકરીમાં પરત લેવા અરજી કરાઈ છે.આ તમામ અંગે
મ્યુનિ.ની મળનારી અપીલ સબ કમિટીની બેઠકમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે.
અમદાવાદ મ્યુનિ.વસ્ત્રાપુર સીટી સિવીક સેન્ટરમાં
જુલાઈ-૨૦૧૬માં નાણાંકીય ઉચાપત કરાઈ હોવાનું બહાર આવતા તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર
મુકેશકુમાર દ્વારા તાત્કાલીક અસરથી સિવીક સેન્ટરમાં જુનીયર કલાર્ક તરીકે ફરજ
બજાવતા દિલીપભાઈ બામણીયા,
અનિલ પ્રજાપતિ ઉપરાંત સુપરવાઈઝર કૌશિક રાવલને સસ્પેન્ડ કરી વિજિલન્સ તપાસનો
આદેશ કરવામાં આવ્યો હતો.આ કર્મચારીઓ સિવીક સેન્ટર ઉપર રોજ જેટલી આવક થતી હતી એનાથી
ઓછી આવક બતાવતા હતા.ચીલન બુકમાં ખાતામાં જમા થતી રકમ કરતા એકાઉન્ટ વિભાગમાં જમા
થતી રકમ ઓછી બતાવીને નાણાંકીય ઉચાપત કરાતી હતી.તપાસને અંતે નાણાંકીય ઉચાપતના આ
કેસમાં ૮૯ લાખ જેટલી રકમની ઉચાપત કરવામાં આવી હોવાનું બહાર આવ્યુ હતું.
આ કર્મચારીઓ સામે ખાતાકીય તપાસના અંતે તેમની સામે લગાડવામાં
આવેલા આરોપ સાબિત થતા ત્રણેય કર્મચારીઓના સસ્પેન્શનનો સમય સસ્પેન્શન તરીકે ગણવા,નોકરીમાંથી
તાકીદે બરતરફ કરવા,મળવાપાત્ર
ગ્રેજયુઈટીની રકમ જપ્ત કરવા ઉપરાંત તેઓની પાસેથી લહેણી નીકળતી રકમ રજાના બીલમાંથી
ઉચાપતના નાણાં વસુલવા તથા વસુલાતની બાકી રહેલી રકમ તેમની સ્થાવર અને જંગમ મિલકતમાંથી વસુલવા દિવાની દાવો દાખલ કરવામાં
આવ્યો છે.આ તમામે જી.પી.એમ.સી.એકટની કલમ ૫૬-૪ની જોગવાઈ હેઠળ મ્યુનિ.ને તેમને
નોકરીમાં પરત લેવા અરજી કરી છે.પૂર્વઝોનમાં જુનીયર કલાર્ક તરીકે ફરજ બજાવતા અરવિંદ
સિસોદીયાએ દારુ પી પોતે ક્રાઈમ બ્રાંચના પોલીસ છે એવી ખોટી ઓળખ આપી નિર્દોષ
નાગરિકને ખોટી રીતે કનડગત કરી હતી.પોલીસ કેસ બાદ ખાતાકીય તપાસ બાદ તેમને
નોકરીમાંથી બરતરફ કરવા ઉપરાંત ગ્રેજયુઈટીની રકમ જપ્ત કરી ૧૦૦ ટકા પેન્શન અટકાવવા
હુકમ કરવામાં આવ્યો હતો.આ ચારે
કર્મચારીઓએ કરેલી મ્યુનિ.સમક્ષ અરજી અંગે તંત્રના અધિકારીઓ કે સત્તાધીશો કમિટી
બેઠકમાં શું નિર્ણય લેશે એ જોવાનું રહેશે.




