Gujarat

નવી પેઢીને વાંચન તરફ વાળવા વડોદરાની મહિલા દ્વારા ચલાવાતી 'પુસ્તક પરબ'

By GS TEAM
22 Apr 20261 min read
નવી પેઢીને વાંચન તરફ વાળવા  વડોદરાની મહિલા દ્વારા ચલાવાતી 'પુસ્તક પરબ'

વડોદરા, તા.23 આજના ડિજિટલ યુગમાં પુસ્તકોનું માધ્યમ બદલાઈને ધીમે-ધીમે હવે ઈ-પુસ્તક થઈ રહ્યું છે, ત્યારે આજની પેઢીને વાંચન તરફ વાળવા શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતાં શિલ્પા શેલતની કમાટીબાગ ખાતેની પુસ્તક પરબ છેલ્લા ૧૩ વર્ષથી હજી પણ ચાલું છે.

મહિનાના પહેલા રવિવારે સવારે સાત વાગે તેઓ પોતાની કારમાં મોટી સંખ્યામાં પુસ્તકો લઇને કમાટીબાગ બેન્ડ સ્ટેન્ડના મુખ્ય ગેટ પર પહોંચી જાય છે અને ત્યાં પુસ્તકોની પરબ લગાવે છે. કેટલીક વખત તો તેઓ આવે તેની રાહ પુસ્તક પ્રેમીઓ જોતા હોય છે.  તેઓ લોકોને મફત પુસ્તકો વાંચન માટે આપે છે. 

તેમણે જણાવ્યું હતું કે માતૃભાષા અભિયાન હેઠળ માત્ર ૧૩૫ પુસ્તકોથી ગ્રંથ મંદિર એટલે કે ઘરે ચલાવાતી લાઈબ્રેરી અંતર્ગત પુસ્તક પરબ શરૃ કરી હતી. જેમાં આજે મોટી સંખ્યામાં પુસ્તકો સંગ્રહિત છે. લોકોને વાંચન તરફ વાળવા આ નાનકડી શરૃઆત કરી હતી. શરૃમાં લોકો મારી વાત સાંભળવા પણ ઉભાં નહોતાં રહેતાં, પરંતુ પછીથી પુસ્તક પરબ પાછળના ઉમદા આશયથી જેમ-જેમ લોકો વાકેફ થતાં ગયાં તેમ-તેમ લોકો મારી સાથે જોડાતાં ગયા. હવે તો બાળકોથી માંડીને વડીલો હોંશભેર મારી પાસેથી પુસ્તકો લઈ જાય છે. દર વર્ષે અનેક લોકો વિવિધ વિષયના પુસ્તકો અને બુક શેલ્ફનું પણ દાન કરે છે.