Gujarat

નારોલમાં પીએસઆઇને લોકોએ ચાલુ નોકરીએ દારુ પીધેલા પકડયા

By GS TEAM
3 Nov 20251 min read
નારોલમાં પીએસઆઇને લોકોએ ચાલુ નોકરીએ દારુ પીધેલા પકડયા

અમદાવાદ, સોમવાર

ગુજરાતમાં દારુબંધીના દાવા કાગળ ઉપર જ છે. હવે, નારોલમાં ટ્રાફિક ચોકી પાસે ઓન ડયુટી પીએસઆઇને લોકોએ દારુ પીધેલી હાલતમાં પકડી પોલીસ કન્ટ્રોલ રૃમને ફોન કર્યો હતો. નારોલ પોલીસે ગુનો નોંધી ધરપકડ કરતાં પીએસઆઈ જયેન્દ્રસિંહ વીરપુરાને સસ્પેન્ડ કરી ટ્રાફિક ડીસીપીએ ખાતાકીય તપાસ સોંપી છે.

નારોલ પોલીસે પીએસઆઇ સામે પ્રોહીબિશનનો ગુનો નોધીને ધરપકડ કરતા ડીસીપીએ સસ્પેન્ડ કર્યા

નારોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ચંદનસિંહે નારોલ પોલીસ સ્ટેશનમાં ઓઢવમાં રહેતા અને ટ્રાફિક કે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા પીએસઆઇ જયેન્દ્રસિંહ સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે મોડી રાતે કંટ્રોલ મેસેજ મળ્યો હતો કે નારોલ સર્કલ પાસે ટ્રાફિક પોલીસ ચોકી પાસે પીએસઆઇ દારૃ પીધેલ હાલતમાં મળી આવ્યા છે.

 પોલીસ ત્યાં પહોચતા સ્થાનિકોએ દારૃ પીધેલા પીએસઆઇને ઝડપીને વિડિયો ઉતારીને હોબાળો મચાવ્યો હતો. પોલીસે નશામાં ધૂત પીએસઆઇને નારોલ પોલીસ સ્ટેશન લાવીને તેમની સામે ગુનો નોંધીને ધરપકડ કરી હતી. પૂછપરછ કરતાં ટ્રાફિક ચોકીમાં બેસીને જ દારુ પીધો હતો. બીજી તરફ ચાલું નોકરી ઉપર દારૃ પીધેલો હોવાથી ટ્રાફિક ઇસ્ટ ડીસીપી દ્વારા પીએસઆઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.