Gujarat

વેરાવળમાં પ્રોવિઝન સ્ટોર સંચાલિકાનું રહસ્યમય સંજોગોમાં મોત : લાશ મળી

By GS TEAM
17 Nov 20252 mins read
વેરાવળમાં પ્રોવિઝન સ્ટોર સંચાલિકાનું રહસ્યમય સંજોગોમાં મોત : લાશ મળી

ઘરમાંથી ઈન્જેક્શન મળી આવ્યું, ચાવી કચરા ટોપલીમાંથી મળી : 'હું હમણાં આવું છું' કહીને દુકાને પરિચિતને બેસાડીને ઘરે ગયા પછી ભેદી બનાવ : શરીર પરથી સોનાના દાગીના ગૂમ

વેરાવળ, : અહીની હુડકો સોસાયટીમાં રહેતા અને ઘરની બાજુમાં જ પ્રોવિઝન સ્ટોર ધરાવતી મહિલાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા સન્નાટો મચી ગયો છે. આ બાબતે પોલીસે હાલ તો અકસ્માત મૃત્યુની નોંધ કરી છે તેમજ મહિલાના મૃતદેહને જામનગર સરકારી હોસ્પિટલમાં પેનલ પી.એમ માટે મોકલવામાં આવી છે.

હુડકો સોસાયટીમાં રહેતા ભાવનાબેન અરૂણભાઈ ચાંડેગરા એમના ઘરથી થોડે દૂર પ્રોવિઝન સ્ટોર ધરાવે છે. આ મહિલાના પતિ મત્સ કોલ્ડ રૂમ બનાવવાની કામગીરી કરે છે. તે કોઈ કામ સબબ વલસાડના ચીખલી ગામે ગયા છે. એક દીકરી છે તે અમદાવાદ રહીને નોકરી કરે છે. આ મહિલા એકલા જ હતા. તેઓ રાબેતા મુજબ ે દુકાને બેઠા હતા. એ પછી એક વ્યકિતને દુકાને બેસાડી  હું થોડી વારમાં પાછી આવું છું કહીને સાડા અગિયાર વાગ્યે ઘરે ગયા હતા પરંતુુ બપોરના દોઢ થવા છતાં ઘરેથી દુકાને ન આવતા દુકાને બેઠેેલી વ્યકિતએ તપાસ કરવા આજુબાજુના પરિચિતને ફોન કરી તપાસ કરવા કહેતા એણે કહ્યું હતું કે ઘરની બહાર તાળુ માર્યું છે.

એ દરમિયાન અચાનક મોબાઈલ રિંગ વાગતા શંકા જાગતા પડોશીઓએ ઘરની મોટી બારીમાંથી તપાસ કરતા આ બહેન પડેલા હતા, જેથી પોલીસને જાણ કરીને મોટી બારી મારફતે બહેનને બહાર કાઢી સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા. પાછળથી પોલીસ બનાવના સ્થળે પહોંચી હતી. આ દરમિયાન ફરજ પરના ડોકટરે મહિલાને મૃત જાહેર કર્યા હતા. બનાવના સ્થળે પોલીસે તપાસ કરતા ઘરની ચાવી કચરા ટોપલીમાંથી મળી આવી હતી, જેનાથી તાળુ ખોલી અંદર જતાં ટેબલ પર ઈન્જેક્શન હતું અને ડાબા હાથમાં ઈન્જેકશન સોઈનો દાગ જોવા મળ્યો હતો. ગાદલામાં લોહી મળી આવેલું હતું. મૃતક મહિલાના ભાઈ રમેશભાઈ પ્રજાપતિએ કહ્યું હતું કે આ બનાવ તા. 11ના રોજ સાડા અગિયારથી બે વાગ્યા સુધીમાં બન્યો છે તેમજ મૃતદેહ પરથી સોનાનો ચેઈન, કાનની બુટ્ટી, અને વીંટી ગૂમ થઈ છે.