Get The App

રિક્રીએશન કમિટીમા દરખાસ્ત મંજૂર , મ્યુનિ.નર્સરી ડેવલપ કરવા જગ્યા આપી, ૨૫ ટકા છોડ ફ્રી મેળવશે

થલતેજમાં નર્સરી ડેવલપ કરવા ૮૮૨૧ ચોરસ મીટરનો પ્લોટ આપવા મંજુરી

Updated: Feb 26th, 2026

GS TEAM

Google News
Google News
રિક્રીએશન કમિટીમા દરખાસ્ત મંજૂર , મ્યુનિ.નર્સરી ડેવલપ કરવા જગ્યા આપી, ૨૫ ટકા છોડ ફ્રી મેળવશે 1 - image

     

  અમદાવાદ, બુધવાર,25 ફેબ્રુ,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રિક્રીએશન કમિટીની બેઠકમાં શહેરના  થલતેજ વિસ્તારમાં નર્સરી ડેવલપ કરવા ૮૮૨૧ ચોરસમીટરનો પ્લોટ ફ્રેશ બ્લુમ નર્સરીને દસ વર્ષ માટે ફાળવી આપવા તાકીદની દરખાસ્ત મંજુર કરાઈ છે.આ પ્રકારે થલતેજમાં જ પી.પી.પી.બેઝ બોન્સાઈ નર્સરી ડેવલપ કરવા અંદાજે ત્રણથી પાંચ હજાર ચોરસ યાર્ડ જગ્યા દસ વર્ષ માટે ફાળવવા દરખાસ્ત મંજુર કરાઈ છે. આ નર્સરી તરફથી દર વર્ષે કોર્પોરેશનને ૨૫ ટકા છોડ વિનામૂલ્યે અપાશે.

રિક્રીએશન કમિટીની બેઠકના અંતે ચેરમેને કહ્યુ,કોર્પોરેશનની તિજોરી ઉપર બોજો વધાર્યા વગર શહેરના ગ્રીન કવરમા વધારો કરવા પી.પી.પી.બેઝ નર્સરી ડેવલપ કરવા નિર્ણય કરવામા આવ્યો છે.નર્સરીના કુલ ઉત્પાદનના ૨૫ ટકા છોડ કોર્પોરેશનને મળશે જે બગીચાઓ ઉપરાંત રોડ, નર્સરી .રોડ ડિવાઈડર અને જાહેર પ્લોટસમા લગાવી શકાશે.બાકીનો જથ્થો સંચાલકો ખુલ્લા બજારમાં વેચી શકશે.કોર્પોરેશનને આમા કોઈ રોકાણ કરવાનુ રહેશે નહીં.ઓપરેશન અને મેઈન્ટેનન્સની તમામ જવાબદારી નર્સરી સંચાલકની રહેશે.સ્ટાર્ટઅપ ઈન્ડિયા મિશન અંતર્ગત માન્યતા પ્રાપ્ત એજન્સીને હાઈટેક નર્સરી ડેવલપ કરવા જગ્યા ફાળવવા મંજુરી અપાઈ છે. આ ઉપરાંત બોન્સાઈ નર્સરી ડેવલપ કરવા હીના જરીવાલા તરફથી માંગણી કરાઈ હતી.

ગોતામા એમ્યુઝમેન્ટ પાર્કથી કોર્પોરેશનને  ૨૫ ટકા આવક મળશે

ગોતા વિસ્તારમાં આઈસીબી ફલોરા પાસે મ્યુનિસિપલ કોર્પોરેશનનો ૫૩૯૧ સ્કેવર મીટરનો પ્લોટ આવેલો છે. આ પ્લોટમાં એમ્યુઝમેન્ટ પાર્કથી કોર્પોરેશનને પ્રતિ સ્કેવર મીટર ૩૦૦ રુપિયા લેખે ૧૬ લાખ રુપિયા ભાડુ મળશે.ઉપરાંત જેટલી આવક થશે એ પૈકી ૨૫ ટકા આવક  કોર્પોરેશનને મળશે.આ પાર્કમાં સેલ્ફી પોઈન્ટ ઉપરાંત વિવિધ રાઈડસ મુકવામા આવશે.